પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મનનાં જાળા
117
 


સર્પણ અથવા વીંછણ જેમ વિયાય છે, તેમ જ લોકવાયકાનાં ઉપરાઉપરી ગૂંચળાં જન્મ પામે છે. સ્વજનોની નવી નવી મુલાકાતો આવતી ગઈ, ને બીજા દિવસની પ્રભાતે તો એક જણ એવી વાત લાવ્યું કે, મુંબઈમાં નિરંજનને એક અવિવાહિત બાઈ જોડે વાંકો વહેવાર હતો, તેમાં બાઈને ગર્ભ રહી ગયો છે. તે બાઈ હવે નિરંજન ઉપર ફેરિયાદ માંડવા દીવાનસાહેબની પાસે આવી છે. બાઈએ તો નિરંજનને પકડી તમાચા ઉપર તમાચાઓ ચોડી દીધા. કોઈક કિરસ્તાન બાઈ લાગે છે.


25
મનનાં જાળાં

ધરાત થઈ ગઈ હતી. ધગધગતું બિછાનું છોડીને નિરંજન બહાર લટાર મારતો હતો. એ અધરાતે એણે એક નાનકડી હાટડીના દુકાનદારને ઝાંખે દીવે ચોપડા પર ઝૂકેલો જોયો. એ આખા દિવસનો મેળ મેળવતો હતો. પૈસાની પણ ભૂલ આવે ત્યાં સુધી એ દુકાન ન વધાવે, એનું અંતર ન જંપે, કેમ કે એને ખબર છેઃ નાની-શી એક જ ગૂંચ અણઊકલી રહે તો તે નાના-શા કરોળિયાની પેઠે અનંત તાંતણો વણી વેપારમાં જાળા ને જાળાં જન્માવે છે.

નાના ગામમાં મોડી રાતનું આ દ્રશ્ય નિરંજને એક કરતાં વધુ વાર જોયું હતું. જોઈને એ કોલેજિયન રમુજ પામતો હસ્યો હતો. એક પૈસાનો મેળ મેળવવા વ્યાપારી ચાર પૈસાનું તેલ બાળે અને સોના સરખી ઊંઘ ગુમાવે, એ કેવી બેવકૂફી!

એ બેવકૂફીમાં રહેલું ડહાપણ નિરંજનને આજ એકાએક હૈયે વસ્યું. પોતાના જીવન-ચોપડાનો મેળ એણે ક્યાંક અણમેળવ્યો મૂકી દીધો હતો. એક ગૂંચ હજાર ગૂંચોને જન્મ આપ્યો હતો. હવે તો મેળ મેળવ્યા વગર