પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મનનાં જાળાં
119
 

સત્ય એ જ છે: સ્ત્રી અને પુરુષ વચ્ચેનું એક સ્નેહાકર્ષણ. એ આકર્ષણ સ્વભાવમાં છે, રક્તના કણેકણમાં છે, ઊર્મિના એકોએક ધબકારમાં છે. એને 'શુદ્ધ મિત્રતા'નું નામ પણ ન આપીએ. એ એક ઠગાઈ છે – પોતાની તેમ જ પરની, બેઉની ઠગાઈ છે. બે પુરુષો વચ્ચેની મિત્રતા, અથવા બે સ્ત્રીઓ વચ્ચેનું સખીપણું, એની જોડે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેના સૌહાર્દને સરખાવી જોઈએ. એ બેઉ એક નથી. એની જાત જ જૂજવી છે.

ત્યારે સુનીલાનું સ્થાન મારા જીવનમાં કયું સમજવું ? એક નિગૂઢ સ્નેહાકર્ષણ મને એના તરફ ખેંચે છે. એ આકર્ષણ રેવા તરફના ખેંચાણથી છેક જ જુદું છે. એ આકર્ષણ સંધ્યાના રંગહિલ્લોલ પ્રત્યેના ખેંચાણથીય જુદું છે. એ આકર્ષણને અને એક સુંદર મેના અને સારિકાના આકર્ષણને કશું સામ્ય નથી. એ તો સ્ત્રી-પુરુષની વચ્ચે સૃજનના પહેલા પ્રભાતથી જે લોહચુંબકતા રમી રહેલ છે તેનો જ આવિર્ભાવ છે. એ અંકુરમાંથી જ લગ્ન જન્મે છે.

લગ્ન !

લગ્નના ખડક ઉપર લાખો માનવ-નાવડાં ભાંગી રસાતલમાં બેઠાં તોય ધ્વંસ અટક્યો નહીં ? એટલાં ડૂબ્યા તેમાં મારોય એક ઉમેરો કરું ?

લગ્ન ? જ્યાં બારીક લોહચુંબકના આંચકા લાગ્યા, ત્યાં બસ લગ્ન એ જ અંજામ !

લગ્ન એટલે ? એની કલ્પના મહિના-પખવાડિયાની મધુરજનીઓથી વધુ આગળ ચાલતી નથી. જીવનને નર્યું સુંવાળું સુંવાળું તત્ત્વ જ નજરને બાંધી નાખે છે. એ સુંવાળી સપાટીની નીચે ખદબદતા કીડાને કોઈ કેમ વિચારતું નહીં હોય ?

ધારો કે સુનીલા સંમત થઈ. પરણ્યાં. મધુરજની મહાલી આવ્યો. પછી ક્યાં ? પિતામાતાના ઘરમાં; કૂળ, ગામ અને કોમની લાજ-મરજાદને અને અદબને કૂંડાળે.

સુનીલા એ કૂંડાળે સમાશે ? ચૂલો ફૂંકશે ? બા એને કમતી