પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
120
નિરંજન
 

છાણાં-લાકડાં બાળવાનું કહેશે, તો સહી શકશે ? ઘરમાં નાહવાની નોખી ઓરડી નથી – તેને ચાલશે ? અને આ સિંહણ – મારા સ્વામીત્વને વેઠી શકશે ?

નિરંજન પોતાની જાત પ્રત્યે હસ્યો.

મારું સ્વામીત્વ ! મને સ્વામીત્વ કરતાં આવડે છે ? આવડ્યું હોત, તો મારો હાથ ઝાલીને સુનીલા મને મારી ઈચ્છા વિરુદ્ધ ખેંચી જઈ શકત ? એક થપાટ ભેગાં પાંચેય આંગળાં ન ઊઠી આવત એના ગાલ ઉપર !

સુનીલાએ તો થપાટ માગી લીધી. એટલે કે એણે સ્વામી તરીકેનું મારું વર્ચસ્વ જોવા માગ્યું. પુરુષનું પૌરુષ, મરદનું પાણી એણે માપી જોયું. મારામાં એની ખોટ દેખાઈ ગઈ.

સુનીલાની એ માગણીમાં પુરુષના પૌરુષની ભૂખ હતી. મર્દના પાણીની પ્યાસ હતી. પોતાનો પ્રેમ ચાહનાર પુરુષ પોતાનાથી સવાયો, તેજવંતો, દ્રષ્ટિમાત્રથી ડારતો, પોતાના પ્રતાપના તેજપુંજમાં સ્ત્રીને લપેટી લેતો, અદીન, અકંગાલ, 'ધણી' હોવો જોઈએ. એ છે સર્વે સ્ત્રીઓની દિલઝંખના. ને સુનીલાય એમાંથી મુક્ત નથી એની સાબિતી કાલે મળી ગઈ.

હું સમજી બેઠેલો કે લગ્ન એટલે સંપૂર્ણ આત્મસમર્પણ; અને આત્મસમર્પણ એટલે મારા મત મુજબ પત્નીની પગચંપીથી લઈ એની સાડીની પિન સુધ્ધાં શોધી લાવવાની મીઠી ફરજ, એના બાળકને હિંચોળે રમાડી રાત્રિએ એને નિરાંતે સુવાડી દેવાની અને દિવસે એના ઘરકામમાં પણ સાથ પુરાવવાની તત્પરતા.

એવા આત્મસમર્પણે સ્ત્રીને સંતોષ આપ્યો છે કદી ? એને મન તો એ બધું આત્મસમર્પણ એટલે પૌરુષના સાચા પાણીનો અભાવ, આત્મિક કંગાલિયત.

પિતાજીની પાસે એક દિવસ એક ગામડાનો પસાયતો આવેલો. એણે વાત કરી હતી કે શેત્રુંજી નદીના કાંઠા ઉપર એક સિંહ ને સિંહણ રહે. બંનેએ ઊંચી ભેખડો પરથી નદીના પટમાં ગાય ચરતી દીઠી. વનરાજ