પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મનનાં જાળાં
121
 

યુગલ ત્યાંથી છલાંગ્યું. ગાયને ઠાર મારી. પણ મારણ ત્યાં ને ત્યાં ન કર્યું. સિંહનો સ્વભાવ છે કે પોતાની એકાંત જગ્યામાં ઉઠાવી જઈને શિકારનો ભક્ષ કરે. બેઉ જણાંએ પરસ્પર મૂંગી મસલત કરી લીધી. સિંહે ગાયને દાંતમાં ઝાલીને ભેખડ ઉપર ઘા કર્યો. ગાય કાંઠા ઉપર ન પહોંચતાં પાછી નીચે પડી. બીજી વાર સિંહે બમણું જોર કર્યું, પણ નિરર્થક. ત્રીજી વાર તમામ કૌવત નિચોવ્યું, તે છતાં ઘા ન પહોંચ્યો. સિંહ શરમિંદો બનીને ઊભો રહ્યો. સિંહણ આગળ આવી. એણે ગાયને મોંમાં પકડી એક જ ઘાએ ભેખડ ઉપર પહોંચાડી દીધી. આનંદથી મલકાઈને એ માદા નર પાસે ગઈ. નરનું મોં ચાટવા લાગી, નરના પગમાં લટુપટુ થઈ ગઈ. પણ સિંહ ન રીઝ્યો. બેઉ કાંઠા ઉપર ગયાં, ભક્ષની નજીક ઊભાં રહ્યાં. સિંહે મોં ન નાખ્યું. એણે સિંહણ ઉપર છલાંગ નાખી એનો જાન લીધો, પછી જ એ પોતાનો શિકાર ખાવા લાગ્યો.

એ વાતથી નિરંજનના દિલમાં કેટલાક નવા ધ્વનિઓ અથડાયા. પોતાનાથી સરસાઈ દાખવનાર સ્ત્રીને પશુ-પતિ ખતમ કરતો હશેઃ તો માનવી-પતિ એવી માનવ-સ્ત્રીઓનો તેજોવધ કરતો હશે, ને કાં પોતે પોતાનો તેજોવધ થવા દેતો હશે. એવા તાબેદારને સ્વામી તરીકે વેઠનારી સ્ત્રી પોતાની જાતને શાપ આપે છે. સ્ત્રીને ગુલામ સ્વામી નથી જોઈતો, સ્ત્રીને સમોવડો પણ નથી જોઈતો; સમાન હકોની તો કેવળ વાતો છે.

એને તો શાસક, સાહસવીર, ઉન્નતમથ્થો સ્વામી જોઈએ છે. એ વિના એના અસંતોષની આગ ઓલવાતી નથી.

એ હિસાબે હું સુનીલાને માટે જરીકે લાયક નથી. હું સ્વામી બનવા જઈશ તો બનતાં નહીં આવડે. સેવક બનવા જઈશ તો સુનીલાના જીવનમાં સ્વામીનું આસન ખાલી જ રહેશે. એ આસનને અનેક સ્ત્રીઓએ કાં અસંતોષના ધમપછાડાથી ભાંગી નાખ્યું છે, ને કાં અન્યને એ આસને બેસારી સંસાર કલુષિત કર્યો છે.

સુનીલા જોડેના લગ્નમાં હું વેવલો બની જવાનો. એ લગ્ન ઉપર જગત દાંત કાઢશે. મારો એ માર્ગ નથી. મારા મનોરાજ્યનું એ ખાનું