પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપડો
123
 

પ્રયોજન છે.”

“મારા મનથી પણ કાલે બોર પાડવાનું પ્રયોજન હતું. તમે એને હાંસીમાં ઉડાવ્યું.”

એ પછી અભ્યાસના પાઠ પૂરા થતાં સરયુ બહાર ગઈ ત્યારે નિરંજને સુનીલાને પૂછ્યું: “તમે અહીં શા માટે આવ્યાં ?”

"તમારી પાછળ.”

“કેમ?”

“તમે મારી અવગણના કરીને ચાલ્યા આવેલા, તે માટે"

“મેં અવગણના નહોતી કરી; અવગણના કરી શકું તેવો મારો સ્વભાવ નથી.”

"હું ઈચ્છું છું કે તમે મારી અવગણના ને મારો તિરસ્કાર સુધ્ધાં કરો.”

“શા માટે?”

“મને એમાં મીઠાશ છે. તમે ગઈ કાલના અપમાન પછી અહીં ન આવ્યા હોત તો જ ઠીક થાત !”

“તો તમે રાજી થાત ?”

"હું તમારે ઘેર તમને મનાવવા આવત.”

પોતે એક સોનેરી અવસર ખોયાનું નિરંજનને ભાન થયું. સુનીલાએ કહ્યું: “પણ તમે બહુ સોંઘા છો, ને મારો સ્વભાવ જ એવો પડી ગયો છે કે સોંઘાં તો મને શાક પણ ભાવતાં નથી – માનવી તો કેમ જ ભાવે"

નિરંજન જવા ઊઠ્યો ત્યારે સુનીલાએ એને એક બીડેલ પરબીડિયું આપતાં આપતાં કહ્યું: “આ ટપાલમાં નાખી શકશો ?”

"જરૂર.”

“ટપાલ નીકળી ગઈ હશે તો ?"

“તો સ્ટેશને જઈ નાખી આવીશ.”

“હા, બહુ જરૂરી છે.”