પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
124
નિરંજન
 


કવર લઈને નિરંજન ગયો ત્યારે સુનીલાએ મોટી હતાશા અનુભવી ને પોતાના અંતઃકરણને કહ્યું: “બાપડો દયા ખાવાને જ લાયક છે !”

સુનીલાના હસ્તાક્ષરો જોવાની લાલચ નિરંજન ન ત્યજી શક્યો. એણે ગજવામાંથી પરબીડિયું કાઢીને સરનામું વાંચ્યું. વાંચતાં જ એના મોં પર શાહી ઢળી ગઈ.

એ નામઠામ પેલા ક્લબના સેક્રેટરીનું હતું.

એવા દુર્જન જોડે પત્રવ્યવહાર ! એ કહેતો હતો કે, સુનીલા મારી છે, તે શું સાચું? કાગળમાં શું લખ્યું હશે?

કાગળ ફોડું?

બીજાની ચોરી-લબાડી ઉપર જાસૂસી કરનારો ભૂલી જાય છે કે પોતે જ ચોર-લબાડોના સંઘમાં ઉમેરો કરી રહેલ છે. નિરંજને સુનીલાના કાગળ પ્રત્યે શંકા કરી, રોષ કર્યો, ધૃણા કરી. પવિત્રતાનો દંભ કરનારી એવી કુમારિકાને એના સાચા સ્વરૂપમાં નિહાળી જ લેવી જોઈએ, એનાથી સાવધાન બની જ જવું જોઈએ, એવા એવા પ્રકારની દલીલબાજી પોતાના હૃદયની જોડે કરીને એણે આખરે એ કાગળ ફોડ્યો.

ફોડતાં ફોડતાં એણે અનેક આંચકા ખાધા. આવું કૃત્ય એ આજે જીવનમાં પહેલી વાર કરી રહ્યો હતો. પરજીવનની ચિરાડોમાં ડોકિયો કરવાનું પાપ એ સમજતો હતો. પણ એ સમજણ ઉપર એણે આજે પુણ્યપ્રકોપનું બનાવટી ઢાંકણ પહેરાવી દીધું.

એની દસેય આંગળીનાં ટેરવાં ખાતર પાડવા જતા દસ ચોરની માફક ગભરાટ પામ્યાં. પરબીડિયાના લીસા આસમાની કાગળે એને ચટકા ભર્યા. મોટરનું હોર્ન વાગતું તે પણ જાણે એના આ દુરાચરણ સામે પોકાર પાડતું હતું. શોફરની સામે નાની આરસી ચોડેલી હતી, તેમાં પોતાની લીલા પ્રતિબિંબિત થઈ રહેલ છે ને શોફર ત્યાં તાકી રહ્યો છે, એવો ધ્રાસકો એને પડ્યો. છાતી થડક થડક થતી હતી. જાણે કોઈ આગગાડીનાં ચક્રો એના દિલ પર થઈને ચાલ્યાં જતાં હતાં.

છતાંય કાગળ ફોડ્યો. અંદર જોયું. કાગળ ઉખેળ્યો. કાગળ