પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપડો
125
 

કોરો હતો.

ફેરવી ફેરવીને કાગળ તપાસ્યો. ઊંચે રાખીને નીરખી જોયું. કોઈ નિગૂઢ અક્ષરો – લીંબુના રસથી પાડેલા અક્ષરો – તો નહીં હોયને? સૂંઘી જોયું. કશું જ નહોતું.

સુનીલાના અટ્ટહાસ્ય જેવો સફેદ, શુષ્ક અને કઠોર એ કોરો કાગળ નિરંજનના હાથમાં ખૂંચ્યો. એની ગડીઓ સરખી ન સંકેલી શકાઈ. કોઈ વાદી પોતાના સાપને કરંડિયામાં ચાંપીને પૂરી દે તેવી ઘાતકી રીતે નિરંજને કાગળ પરબીડિયામાં પેસાડી દીધો. ઉપર જોયું. જરા ધારીને નિહાળી જોયું, તો સરનામા ઉપર જે અક્ષરો હતા તે સુનીલાના હસ્તાક્ષરો નહોતા જણાતા. એ અક્ષરો કોઈક શિખાઉ હાથના હતા.

કદાચ સુનીલાએ ડાબા હાથે કાઢેલા હશે. કદાચ ગજાનનની પાસે એનું સરનામું કરાવ્યું હશે. સરનામાની અંદર સ્થળ પણ બનાવટી લખ્યું હતું.

ગમે તેમ હશે. પણ નિરંજનને પોતાની પરીક્ષા તો હવે ખતમ થઈ ગઈ લાગી.

“શૉફર!” એણે લગભગ સ્ટેશનની લગોલગ ગયા પછી કહ્યું, "ગાડી ઘેર જ લઈ લે.”

ઘેર જઈને એણે એ જ પરબીડિયામાંથી કાગળ કાઢીને એ કોરા કાગળ પર લખ્યું: “ઘી કકડી ગયું છે. આટલી આકરી તાવણ કાં કરી? ફરી કદાપિ મોં નહીં બતાવું.”

"શોફર! આ કાગળ સુનીલાબહેનને જ દેજો.” એટલું કહીને પોતાની જ ફાંસીની સજાનો ફેંસલો પોતે લખી મોકલાવ્યો.