પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
126
નિરંજન
 
27
સાન આવી?

જીવન-ચોપડામાં મોડી રાતે મેળ મળી ગયો. તેલ તો ઘણું બળી ગયું. આંખોય જલી ઊઠી. રોમાવલીએ બેહદ પરસેવો નિતાર્યો. હૈયું નિચોવાઈ ગયું. પણ એ બધાંને અંતે નિરંજન ફારેગ થઈ ગયો. સ્વજનના અગ્નિદાહ પછીનું પહેલું સ્નાન જે ટાઢક કરવાની સાથોસાથ કોઈક સદાને માટે ચાલ્યું ગયું હોવાની ચોક્કસ સાન જન્માવે છે, તે શીતળતા અને તે સાન નિરંજનને પણ સાંપડ્યાં. પ્રેમની અટપટી વાટ પર એણે ઝાંપો ભીડ્યો. એ વાટનાં યશોગાન એને પોકળ ભાસ્યાં.

‘અથવા તો મારા પોતાના જ પ્રેમમાં હતી એ પોકળતા!' – નિરંજને વિશ્વના પ્રેમતત્ત્વની બદનક્ષી ન કરતાં પોતાની જ નાલાયકી સ્વીકારી લીધી.

પહેલી વધાઈ આપવા એ ઓસમાન ટપ્પાવાળાની પાસે ગયો. ઓસમાન ટપ્પો જોડીને ઊભો હતો.

“આજ તો, ઓસમાનકાકા!” એણે પ્રફુલ્લ અવાજે કહ્યું, “મારું મન ટપ્પો હાંકવાનું થયું છે. મને શીખવશો?”

“કેમ ભાઈ ! ઓસમાને રમૂજ કરી, “મારો ધંધો તોડી નાખવો છે શું? ભણવું મેલીને ભાડાત ટપ્પો હાંકવાનો મનસૂબો કર્યો છે કે શું?”

“તોય શું વાંધો છે, કાકા? એક ગ્રેજ્યુએટના જેટલો તો પગાર પડી રહેશે. તે તમામ લોકો જોડે તેમ જ આ મૂંગા જાનવર જોડે મહોબત બંધાશે એ તો વધારાનું –"

"ઈથીય વધુ એક લાભ છેને, બાપા!” ઓસમાને અવાજ ધીરો પાડ્યો, “તમારી ઘોડાગાડીએ તો ફૂલફૂલ જેવાં પાસિન્જરો બેસવા દોડશે.”

“ફૂલફૂલની વાતો તો હવે મૂકી દીધી, કાકા!”

“અરે, શું વાત કરો છો!”