પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાન આવી?
127
 


“સાચું કહું છું.”

“મારા સાંભળવામાં તો કાંક નોખું જ આવેલું હતું, હો ભાઈ!”

"ને તમે સાચું માની લીધેલું?”

“સાચા-ખોટાની વાત તો નો'તી વિચારી, પણ મારા અલારખાની જે વલે થઈને ભાઈ, એવી જ ભૂંડી વલે મારા શ્રીપતરામભાઈના ડાયા છોરુની થાશે એવો ડર લાગેલો. અલાના કસમ ! પેટછૂટી કહી દીધી તમને, મારા દીકરા!” ,

"તો હવે ધરપત કરજો, ઓસમાનકાકા ! મેં તો સ્નાનસૂતક પણ કરી નાખ્યું.”

“તો હાલો મારી સાથે સેલ કરવા.”

"ક્યાં જશું?”

"પંજાપીરને તકિયે જાવું છે. આજ ભાડું નથી કરવું. ચાર દનૈયાં ઠીક ઠીક પાક્યાં છે, એટલે મેં કાલે ઠેશસેથી વળતાં રસ્તામાં જ ઘોડાને બોલ દીધો’તો કે, બાવળા, કાલ તને ભાડે નહીં જોડું. તને પંજાપીરને તકિયે ઢેલડીના ઘૂનામાં ધમારવા લઈ જઈશ.. હાલવું છે?”

આજ સુધી નિરંજનને ક્યાંય જવું ગમતું નહીં. તાપને લીધે એ ભીનું પંચિયું શરીરે ચાંપતો ચાંપતો પડ્યો રહેતો. છાપરાનાં નળિયાં જોતો જોતો પણ તરંગે ચડતો. પાડોશીને ઘેર કાળે બપોરે ગ્રામોફોન ઉપર સાયગલ–ઉમાશશીની ગીત-થાળી પચીસ વાર ચડતી ને 'પ્રેમનગર મેં બનાઊંગી બનમેં'ના સૂરોમાંથી નિરંજન નકામો નકામો વેદનાનું રસપાન કરતો. મા કહેતાં કે, “ભાઈ, ક્યાંઈક બહાર તો નીકળ !” બાપુજી ઘણું ઘણું વીનવતા કે, “ભાઈ, અહીં આવે, મારી પાસે તારી કેળવણીની વાતો કર!” પણ નિરંજનને કશામાં રસ નહોતો. ઘવાયેલા કુરંગ-શો એ પડ્યો રહેતો. કોઈ મળવા આવે તો એને ગમતું નહીં, ને જમવા બોલાવ્યે ચિડાતો. એ બધી ગધાપચીશીને આજે પાર કરી ગયો હોય તેવો નિરંજન ઓસમાનકાકાના ટપ્પા પર ચડી બેઠો, ને ગામબહાર નીકળી એણે ઘોડાની લગામ હાથમાં લીધી. ટપ્પાવાળાઓ જેટલાં નખરાં