પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
128
નિરંજન
 

કરતા હોય છે તે તમામ નખરાંની નકલ કરતો નિરંજન પંજાપીરના વૃક્ષઘટાએ છાયેલા રસ્તા પર ટપ્પો હાંકી ગયો.

આજે એનો આત્મા બંધનમુક્ત બન્યો હતો. માથા પરની ઘટા એને કેવળ શીતળતા આપનારી જ સાદીસીધી ઘટા બની રહી. એ ઘટાની કોયલોના ટહુકાર એને કોઈપણ પ્રિયજનનું સ્મરણ કરાવી શક્યા નહીં. એ ટહુકારાની મીઠાશ જેવી સહુને સારુ હતી તેવી જ નિર્મળ એ નિરંજનને મળી. મોરલાની કળામાં એણે રૂપરંગની કુદરતી માધુરી નિહાળી. કલ્પનાએ હૈયાફ્ટી બનીને એ સુંદરતામાંથી કશુંક ગ્લાનિજનક તત્ત્વ ન ખેંચ્યું. માર્ગની બંને બાજુ બળબળતી લૂના કટોરા પીતા પીતા સાંતી હાંકતાં ખેડુજુવાનોને જોઈ એણે ઓસમાનકાકાને પૂછ્યું: “હેં કાકા, આ જુવાનિયાઓને દિલનાં દુઃખ નહીં હોય?”

“શેનાં – ઈશકનાં દુઃખ?"

“હા.”

“હોય તો ખરાં, પણ અટાણે સંભારે તો સાંતી ઊંધાં જ પડે ને !"

"જગતનો પ્રત્યેક જુવાન જો કૉલેજિયન બને તો શી વલે થાય જગતની?” નિરંજન પોતાના હૃદયને પૂછી રહ્યો, “આ મરદબચ્ચા ખેડૂતો જે દિવસે કૉલેજને ઉંબરે ચડશે તે દિવસે હિંદની ગુલામી વજ્રલેપ બનશે. તેઓ કારકુનો બની જશે એનો બહુ વાંધો નથી, પણ તેઓ મારી માફક પોતાની બધી ચાલાકી, બધી નિપુણતા, વાક્પટુતા, ને વીરતા એકાદ કોઈક કૉલેજ-કન્યાની કલ્પનાને મુગ્ધ કરવામાં જ વાપરતા થશે, ને પછી ગજલું જોડી જોડી રસાતલમાં ઊતરી જશે.

"કૉલેજોથી અળગા એ આજે કેવું પૌરષભર યૌવન ભજાવે છે ! લૂના ફાકડા ભરે છે; સાંતીનો ચાસ ચૂકતા નથી; વડલાની ઘટામાં કોસ ચલાવતા ખેડુ-કુમારો મીઠા ટહુકારે ગાય છે ખરા, કે –

વાવલિયા વાયા રે, પિયુ, વૈશાખના,
રજ ઊડે ને મારુ માણેકડું રોળાય જો.