પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાન આવી?
129
 


'પણ એ ગાનનો રસ એમનો એકેય ફેરો ચુકાવીને ઊંડા નિ:શ્વાસો નાખવા થંભાવી દેતો નથી. સુનીલા તો આવા જ કોઈકની હજો !'

પંજાપીરનું થાનક પાંચ ઝાડવાંની ઘટામાં આવેલું હતું. લીલી સોડ ઓઢાડેલી પાંચ લાંબી કબરો પાસે અખંડ લોબાન બળતો હતો. કૂકડાં, કૂતરાં, બિલાડાં, ને કોઈ કોઈ વાર તો હરણાં પણ ત્યાં ભેળાં જ રમતાં.

જગ્યાનો મુંજાવર પીરના તકિયાની ચોપાસ દિવસમાં ત્રણેક વાર ચોગાન વાળ્યા કરતો. પછવાડે ઢેલડી નદીનો પ્રવાહ ચાલતો હતો.

એક ઘોડાગાડી ત્યાં ઊભી હતી. નદીમાં ઊતરવાનો માર્ગ રોકીને સ્ટેટના પટાવાળા બેઠા હતા. તેઓએ પુરુષોને જતાં અટકાવ્યા.

“કેમ?” નિરંજને પૂછ્યું.

“દીવાન-બંગલેથી નાવા આવેલ છે.”

નદીની ભેખડો નીચેથી હાસ્યધ્વનિ, તાળીઓના અવાજ ને સામસામી થપાટો સંભળાતી હતી.

નિરંજન તાણીને બોલી તો ન શક્યો, પણ ઓસમાનકાકાની પાસે બબડી રહ્યો: “આ સ્ત્રીની જાત તો જુઓ ! જ્યાં જાઓ ત્યાં હડફેટે ચડે.”

“ચડે નહીં, ભાઈ મારા ! ચડાવે.” ઓસમાન હસ્યો.

“બીજો કોઈ ધરો છે કે નહીં, હેં કાકા?”

"છે. પણ અર્ધા ગાઉ ફેરમાં છે.”

"તો ચાલોને ત્યાં.”

એક પટાવાળો બોલ્યો: “ઝાઝી વાર થઈ ગઈ છે. હવે હમણાં જ નીકળશે. સરયુબેન છે ને સુનીલાબેન છે.”

પટાવાળાએ જાણીબૂજીને નામ લીધાં જણાયાં. નિરંજન કશું બોલ્યો નહીં. એણે ને ઓસમાને ત્યાંથી ચાલતી પકડી. નિરંજને મોટી જીત મેળવી.

એ ગયા પછી પટાવાળો ને કોચમેન વાતોએ ચડ્યા: “જાણીબૂજીને આવેલ કે ?”