પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
132
નિરંજન;;
 
કાગળથી જ કરું છું. તમારા પગ પૃથ્વી પર ઠેરાયા પછી આ વાત કહેવી વધુ સલામત બને છે. એ વાત છે – સરયુનો હાથ ઝાલવાની.
સરયુ માવિહોણી છે. નવી મા નાની વયનાં ને પતિનાં લાડીલાં છે. સરયુ દીવાનની દીકરી છે એ વાત વીસરી જજો; એ તો ગરીબ ગાય છે.
તમારા ગગનવિહારની તો એ પાંખ નહીં બની શકે, પણ પૃથ્વી પરના તમારા માર્ગે કાંટા વાળનારી બની શકશે.
તમારે ગૃહધર્મો અદા કરવાના છે ને ?
અલ્પસંતોષિણી મારી સરયુ એ કરી દે તેવી છે. ઈર્ષાને એ અવકાશ નહીં આપે.
દીવાન મામા સરયુના પ્રશ્નમાં બહુ રિબાય છે.
મારી પાસે હોત તોય સરયુ પુરષોનાં માથાં ભાંગનારી ન બની શકત. જેમ કેટલાક પુરુષોનું તેમ કેટલીક સ્ત્રીઓનું પણ સ્વાભાવિક સ્થાન ચરણોમાં જ હોય છે.
આ તો મારું નિરીક્ષણ થયું. તમે તો જાતે અનુભવ જ લેજો.
મુંબઈમાં આપણે ન જ મળીએ તેવું તમે ઈચ્છતા હશો; હું પણ એમ જ ઇચ્છું છું.
લિ. સુનીલા
 

'ઠીક છે. બરાબર વાત છે.'

નિરંજનને કાગળની ગડી વાળતાં વાળતાં પોતાના મનભાવોની પણ ગડી બેઠી. સુનીલાના મનોચિત્ર ઉપર નિરાશાનો લપેટો લગાવીને પોતે ઊઠ્યો. ઘરડાં માબાપની ચાકરી કરતી એક સુંદર વહુ એની આંખો સામે રૂમઝૂમી રહી.

પગમાં ઘુઘરિયાળા છડાઃ હાથમાં બબ્બે કાચની બંગડીઃ વચ્ચે અકેક સોના-ચૂડીઃ આંગળાં વચ્ચે શી સુંવાળી સાવરણી શોભશે !

નાનીશી રસીલી લાજ કાઢતી એ બાના પગ દાબશે, બાપુની પથારી કરશે. 'સરયુ, બેટા, જરી આ ચૂનામાં પાણી દેજો તો !' એવું સસરાજીનું લાડકવાયું વચન સાંભળી છાના ઉમળકા અનુભવશે. ને હુંય બા-બાપુની