પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દયાજનકતાનું દૃશ્ય
133
 

નજર ચુકાવી એને જરી છમકલું કરીશ, તો કશું ન બોલી શકાયાથી એ ઘૂંઘટવાળી છોકરી મીઠી મૂંઝવણો અનુભવતી મારી સામે અમીભર્યા ડોળા ખેંચશે. બા-બાપુમાંથી કોઈ માંદું પડશે, તો અહીં એને ઘર ભળાવી હું મારો પુરુષાર્થ અણરૂંધ્યો મુંબઈમાં ચલાવ્યા કરીશ. ને એ દિનરાત 'વહાલા હૃદયેશ્વર' વગેરે સંબોધને મારા પર કાગળ લખશે. હું પ્રત્યુત્તર વાળીશ, તેમાં એને તરબોળ પ્રેમમાં નવરાવી નાખનારાં પ્રેમસંબોધનો તેમ જ લાડ-વાક્યો લખીશ...

ઠીક છે. ચિત્ર અતિ સુંદર છે. ચિત્રની સુંદરતામાં સહેજ કરુણાની ટીબકી છંટાય છે. પ્રેમનાં પાણી સ્થિર જીવનના બે કાંઠા વચ્ચે સુખકલ્લોલ કરતાં કરતાં વહેતાં રહેશે. ઠીક જ છે સુનીલાની ભલામણ.

સરયુ પ્રત્યેની દયામયતા નિરંજનના હૃદયમાં ઘૂંટાવા લાગી. સરયુ જાણે કે ઘરમાં ગોઠવાઈ ગઈ. પ્રેમના ઉધામા જતા રહ્યા એવું જણાયું.


29
દયાજનકતાનું દ્રશ્ય

નિરંજન જાણતો હતો કે દીવાનનું તેડું હવે જલદીથી આવી પહોંચશે. પણ તેડામાં તો દીવાન પોતે જ મોટર લઈને ખડકી ઉપર ખડા થયા. નિરંજન બહાર જવા તૈયાર હતો તે છતાં ટોપી પહેર્યા વગર જ મોટર પર ગયો. કોઈપણ જાતની ગરજ ન બતાવવાનો એનો નિરધાર હતો.

"કેમ, કશા કામમાં તો નથીને ?” દીવાને વિવેક કર્યો.

“કામ, – ના – હા – છે તો ખરું, પણ –”

“હવે પાસ થઈ ગયા પછી વળી શાનું કામ ?”

“મૂંઝવણો તો પાસ થયા પછી જ શરૂ થાય છે. આજ સુધી તો યુનિવર્સિટીના કિલ્લામાં સલામત હતા.”