પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
136
નિરંજન
 

પાછળ બેઠો હતો તે પોતાની જાતે જ દૂર જઈ ઊભો રહ્યો. વાત કયા વિષય પર થવાની છે એની શોફરને સંપૂર્ણ કલ્પના હતી.

જગતના ગાડીવાનો પોતાની પીઠ પાછળ ચાલતાં જેટલાં રહસ્યોને નિરપેક્ષભાવે પી ગયા છે અથવા પી રહ્યા છે, તેનાથી સોમા ભાગનાં રહસ્યોએ પણ મોટા મોટા યોગીની છાતીઓને વિદારી નાખી હોત.

"હવે,” દીવાને વાતનો પ્રારંભ કરતાંની સાથે જ ગળામાં ડૂમો અનુભવ્યો. એ ડૂમો માનવીની માનવતાનો હતો. મનુષ્યનું હૃદય નક્કી બોલવા માગે છે ત્યારે ચાબાઈ, પંડિતાઈ, પતરાજી અને ચાતુરીના પડદા બાજુએ ખસી જાય છે. ઉંમરલાયક દીકરીનો પિતા: સંસારી દયાજનકતાનાં ઘણાં થોડાં દ્રશ્યો માંહેલું એ એક દ્રશ્ય છે.

“તમને સુનીલાબહેનનો સંદેશો મળ્યો હશે એમ માની લઉં છું.”

“હા જી.”

"ને હું આજે સામે આવીને તમારી દયા યાચું છું.”

દીવાનની આંખોમાં નિરંજને પાણી દીઠાં.

“તમારો જવાબ શો છે ?”

“મારા જવાબનો આધાર તમે મારી સ્થિતિનો કેટલે અંશે સ્વીકાર કરો છો તે પર છે.” નિરંજને એક વિજેતાના તોરથી શરતો ફરમાવવાની તૈયારી કરી.

“બધી જ સ્થિતિને હું સ્વીકારી લઉં છું.” દીવાન સમજી ગયા હતા.

“મારે નથી જોઈતા દરદાગીના, નથી જોઈતાં કપડાં, નથી હું માગતો કશું સ્ત્રીધન. તમારા પક્ષેથી પણ કશો આડંબર કે કશું ધાંધલ ન થાય તેની ખાતરી માગું ?”

"ભાઈ નિરંજન !” દીવાને લાચારી ગાઈ, “મારે ઘેર આ પ્રથમ પહેલો અવસર થશે. સરયુ મારું પહેલું સંતાન છે, ને આજે એને માટે માતૃખોળો નથી. મા ગણો, બાપ ગણો, જે ગણો તે હું છું. દીવાનપદું કરનાર બાપે દીકરીને ઘરમાંથી દેશવટો દેવાતો હોય તે રીતે રવાના