પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોકરીઓ પર દયા
137
 

કરી દીધી, એટલું જગત ન બોલે માટે હું થોડોક સમારંભ કરવા પૂરતી તમારી ઉદારતા યાચું છું.”

પણ નિરંજને પોતાની સખતાઈ ન છોડી. એણે ડગલે ને પગલે પોતાની દયા મગાતી દેખી. જાણ્યે-અજાણ્યે પણ એ એક પરમ ઉપકારનું, પરદુઃખભંજનનું માનસ પોષવા લાગ્યો.

"હું આપને કાલે જવાબ આપીશ.” કહી એણે વાતને અટકાવી.

દીવાને તે દિવસે, ઘણાં વર્ષો પછી, ધરાઈને ધાન ખાધું.


30
છોકરીઓ પર દયા

સુનીલાએ ઘેર આવીને દુઃખદ મામલો દીઠોઃ બાપુનું ત્રિરંગી તૈલચિત્ર ભાંગી-ચોળાઈને ભૂકો થયું છેઃ પુસ્તકાલયના ઓરડામાં પુસ્તકો વેરણછેરણ પડ્યા છે: પિતાની નિશાની કરેલી ચોપડીઓનાં પાનાં જીવતા શરીરમાંથી છેદાઈને રોળાતાં અંગો જેવાં ફડફડ ઊડે છે.

“આ બધું રમખાણ કોણે મચાવ્યું ?” સુનીલાએ ફાળભરી છાતીએ નોકરને પૂછ્યું.

"બાએ.”

“બાએ ! શા માટે ?”

"કોને ખબર શા માટે ? એ તો બધી ભાંગફોડ કરતાં કરતાં બાપુને માટે બેમરજાદ શબ્દો બોલતાં હતાં.”

સુનીલાએ સમજી લીધુ: માતાના હૃદયમાં આજે જે શૂન્યતા વ્યાપી છે, તેમાં જૂની ભૂતાવળ જાગી ઊઠી હશે – બાપુ પ્રત્યે ઈર્ષાની, હિંસાની ને સંશયોની ભૂતાવળ.

માતાને એણે કશું ન કહ્યું. આંસુભરી આંખે એણે પુસ્તકોને