પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
138
નિરંજન
 

સુવ્યવસ્થિત કર્યા. પિતાની તસવીરને એણે કપડામાં લપેટી સંકેલી લીધી. છબીમાં ખરડાયેલ પિતાનું મોં પુત્રીને જાણે કહી રહ્યું હતું કે, 'મારા વસિયતનામામાં મેં મારી તમામ વિદ્યાની વારસદાર તને નક્કી કરી છે, બેટા સુનીલા !'

'હુંય પણ, બાપુ,', સુનીલા છાની છાની છબીને કહેતી હતી, 'બીજા વિચારોને તાળું દઈ રહી છું. માતાની સ્નેહ-ઈર્ષ્યાએ મને સાવધ કરી દીધી છે. હું તમારા જ્ઞાનને ખોળે જ લોટવા માગું છું.'

પોતાનો ખંડ પોતે બંધ કરીને ગઈ હતી. ખોલીને પોતે જ એ પંદર-વીસ દિવસની ચડેલી રજને ખંખેરી નાખી. બે કલાકમાં તો ઓરડો જીવતો બની હસવા લાગ્યો. વહાલભરી પત્ની પિયરથી પાછી આવીને જે વહાલથી પતિનાં આંખ-મોં લૂછે, તેવા કોઈ પ્રેમથી સુનીલાએ પોતાના ખંડને ખૂણેખાંચરે સાફસૂફી કરી.

વળતા પ્રભાતથી અભિનંદન આપનારાઓની મુલાકાતો શરૂ થઈ ગઈ. સ્નેહીઓ અને સ્વજનો વણમાગી સલાહ આપવા લાગી પડ્યાં. લગ્નનો પ્રસ્તાવ મૂકનારા અનેક હતા. કોઈને પોતાના બૅરિસ્ટર-પુત્ર તો કોઈને સિવિલિયન-ભત્રીજો, કોઈનો ભાણેજ પ્રોફેસર, તો કોઈનો લક્ષાધિપતિ સાળો – એમ સહુ કોઈ આપ્તજનોના ગજવામાં સુનીલાને માટે અકેક આકર્ષક રમકડું ભરેલું હતું. દરેકની સામે સુનીલાએ નરમ હાસ્ય વેર્યું. પ્રત્યેક જણ આશાને હીંડોળે હીંચતો ઘેર ગયો.

પ્રોફેસરો પણ એક પછી એક આવ્યા. સહુએ ઠપકો આપ્યો કે, “તેં પહેલા નંબરનાં પારિતોષિકો જતાં શા માટે કર્યા ?”

“કંઈ નહીં, મારે યુનિવર્સિટીના ક્ષેત્રમાં આગળ નથી વધવું એટલા સારુ”

“પણ તમે મને મોટો અન્યાય કર્યો તેનું શું ?” એક પ્રોફેસરના આવા શબ્દોએ સુનીલાને ચમકાવી.

“તમને અન્યાય ?”

“નહીં ત્યારે ? મારા વિષયમાં મેં તમને ઈરાદાપૂર્વક વધુ દોકડા