પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોકરીઓ પર દયા
139
 

આપ્યા છે. ખરી રીતે નિરંજનનો પેપર તમારાથી ચડિયાતો હતો!"

આ વાત સાંભળીને સુનીલાના ડોળા ધસી આવ્યા. એણે પૂછ્યું: “એમ કરવાનું કારણ?”

“કારણ કે તમે સ્ત્રી છો. ઉત્તેજનને પાત્ર છો.”

“મેં તમારું ઉત્તેજન યાચ્યું હતું?”

“એમાં યાચવાનું શું છે? એટલુંય અમે ન સમજીએ? અમારો ધર્મ છે.”

“એવો અધર્મ કરવાનો તમારો ધર્મ?”

“શાનો અધર્મ?”

“એક વિદ્યાર્થી પુરુષ છે તેટલા ખાતર એની કારકિર્દી પર કુહાડો મારીને તમે મને હું સ્ત્રી છું તેવી દયાને કારણે ઊંચે બેસારી?”

“નહીં તો શું છોકરીઓ પોતાની તાકાતને જોરે આટલી પાસ થાય છે. દર વર્ષે?"

સુનીલાને આ શબ્દોનું અપમાન હૈયે ભોંકાયું. એ કકળી ઊઠી: "હું આ વાતને એક્સપોઝ કરીશ.”

“ઘેલાં થતાં ના, જોજો હાં કે?”

"જોઉં તે શું? તમારી આ દયા તો અસહ્ય છે.”

"બધા જ એમ કરે છે.”

“તો એ બધાને ઉઘાડા પાડીશ.”

“ઘેલી ! ઘેલી ! આ વખતે તો કશું જ ન કરતાં, હાં ! આ વખતે હું એકલો જ ઝપાટે ચડી જવાનો.”

"શા માટે?"

“મારે ને એને તલવારો અફળાયેલી છે.”

“શાની તલવારો?”

"પેલો મેગેઝીનમાં એની વાર્તા છાપવાનો મામલો યાદ હશે.”

"હાં હાં. ત્યારે તો એ વાતનું વેર તમે આમ વસૂલ કર્યું, નહીં?” કહીને સુનીલા ઊભી થઈને બીજા ઓરડામાં ચાલી ગઈ.