પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
140
નિરંજન
 

તે જ દિવસે એણે રજિસ્ટ્રાર પર આ બાબતનો કાગળ લખ્યો ને નિરંજનને તાર કર્યો.


31
દયાપાત્ર

"મારે સરયુની સાથે કેટલીક વાતો કરવી પડશે.” નિરંજને ભાવિ સસરા પાસે માગણી મૂકી.

"ખુશીથી."

થોડી વારે દીવાન-પત્ની સરયુને લઈ નિરંજન બેઠો હતો તે ઓરડામાં આવ્યાં. પોતે ખુરસી પર બેઠાં. સરયુની બેઠક નીચે સાદડી પર હતી.

બધાં ચૂપ બેઠાં. ઝાઝી વાર થઈ. નિરંજન રાહ જોતો રહ્યો કે દીવાન-પત્ની જશે. સરયુને દરેક ક્ષણ અકેક તમાચા જેવી થઈ પડી. દીવાન-પત્ની પોતાના ઓળેલા વાળની સેંથીને વગર જરૂરે પણ આંગળીઓ વડે ઓળ્યા જ કરતાં બેઠાં. પાંત્રીસેક વર્ષની ઉંમર હશે. વીશ વર્ષની, અને ઈતર માતાની પુત્રીનાં બનાવટી બા બનવામાં જે કઢંગાપણું અને કૃત્રિમતા રહેલાં છે તે દીવાન-પત્નીના હાવભાવ તેમ જ દેખાવમાં સ્પષ્ટ તરી નીકળતાં હતાં. પોતે જ હજુ તો સ્નેહપાત્ર બનવા જેવડાં હતાં ત્યાં તો એને શાસન કરવાની ફરજ પડી હતી. અને ઈર્ષ્યા શાસનવૃત્તિની સગી બહેન છે.

ચૂપ બેઠાં છતાં એ આંખોના ડોળાની મદદ લઈને તેમ જ હાથની ચેષ્ટાઓ કરી ધરતી પર બેઠેલી સરયુને સાવધ કરી રહ્યાં હતાં કે, ઓઢણીનો છેડો છાતી પર સરખો કર! માથાની એક લટ છૂટી પડી છે તે બરાબર ગોઠવ! તારો પગ દેખાઈ જાય છે! વગેરે વગેરે.