પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
142
નિરંજન
 

અફીણ!” દીવાનના ધીરા બોલ પણ કાને પડ્યા.

"ના રે, મને જ ઘોળીને પાઈ દોને ! એટલે તમારે સહુને નિકાલ થાય.”

– એમ કહેતાં દીવાન-પત્ની બીજા ઓરડામાં ગયાં ને દીવાન એની પછવાડે મનાવવા ગયા. ગજુએ દોડતા આવીને સરયુને કહી દીધું કે, “બેન, બાપુજીને બાએ લ-પાટ લગાવી દીધી...ઈ...ઈ!”

એટલું કહીને પાછો ગજુ, છાપાની ઑફિસના યુદ્ધ-ખબરપત્રીની અદાથી માતાપિતાની પછવાડે દોડી ગયો.

સરયુની સજલ મૂગી આંખો એક જ વાર નિરંજન તરફ ઊંચી થઈ. તરત જ પાછી પાંપણો ઢળી ગઈ. પાંપણોના પંખાએ બે ટીપા આંસુનાં ખંખેરી દીધાં. ગોરા ગાલ પર જરી વાર અટકી જઈને એ ટોપ જાણે કે પોતાની જન્મદાત્રી આંખોનાં ઊંડા ઊંડા જળાશયમાં પાછા ચડ જવા માગતાં હતાં.

એ ટીપાંએ નિરંજનની કરુણાનો કટોરો છલોછલ ભરી દીધો.

"મારે હવે કશું જ નથી પૂછવું.” કહીને એ ઊઠ્યો.

ડરથી સરયુએ એની સામે મીટ માંડી.

“તમે તૈયાર છો?” નિરંજને ધીરે સાદે પૂછ્યું.

સરયુએ ફક્ત શરણાગતના ભાવે ભરેલું ડોકું જ હલાવ્યું.

દીવાન ત્યાં આવ્યા એટલે નિરંજને કહી નાખ્યું: “મારે કશું જ પૂછવું નથી. હું સંતુષ્ટ છું. વહેલામાં વહેલું ઉકેલી નાખીએ.”

"જેઠ વદમાં જ.”

“તો હું એક આંટો મુંબઈ જઈ આવું.”

"કેમ?"

"ફેલોશિપ, સ્કોલરશિપ વગેરેની ભાંજગડ કરી આવું.”