પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પામરતાની મીઠાશ
145
 

નિરંજનને આ સાંસારિક સ્થિતિની યાદ દેવરાવનારું વાક્ય નથી ગમ્યું, એ સુનીલાએ એના મોં પરથી વાંચી લીધું. વધુમાં વધુ ચીડ નિરંજનને આ વાતની જ હતી કે સામું માણસ એને એની ગરીબાઈનો ખ્યાલ કરાવી એનો તેજોવધ કરે છે. કૉલેજજીવનમાં ફંડફાળા, ઉઘરાણાં, ઉજાણી, પ્રવાસો ઈત્યાદિના અવસરો આવતા ત્યારે ત્યારે એની પાસે રકમ ભરાવવા આવનાર હરકોઈને એ સીધીદોર ના કહી દેતો. ગરીબી ગાવાની અથવા એ સમયે શરમથી હા પાડી પછવાડેથી 'અશક્ત છું' એવી ચિઠ્ઠી મોકલવાની પ્રકૃતિને એ ધિક્કારતો. એ માનતો હતો કે ગરીબાઈ અને અમીરાઈ બેઉ ચોક્કસ નક્કર સ્થિતિઓ છે. બેમાંથી એક લાચારીનો વિષય નથી, ને બીજી કંઈ પતરાજીની વસ્તુ નથી. હકીકત એ હકીકત જ છે. અને લજ્જા, લાચારી, ગુનેગારી, ક્ષમાયાચના વગેરેનો ઉપયોગ કરનાર ગરીબ પણ પેલા વાતવાતમાં પોતાની સાધનસંપત્તિના ઉદાર દેખાવો કરનાર ધનિકના જેટલા જ અપરાધી, મિથ્યાભિમાની છે. આ બધા કરડા ભાવો નિરંજનની મુખરેખાઓ ઉપર ચોખ્ખા અક્ષરે માંડેલા હતા. સુનીલાએ સિફતથી વાત ફેરવી બાંધી: “તમારે જે યુદ્ધ કરવાનું છે તે કરીને પછી જ બધું છોડી દો તો કેમ ?”

“મારે યુદ્ધ જ નથી કરવું.”

"વિષાદ વ્યાપ્યો ?”

“ના, ના, એવું હોત તો મારે માટે સારથિ કૃષ્ણ ક્યાં વેગળા છે ?”

એટલી ટકોર કરીને નિરંજન હસ્યો. એ હાસ્યની અંદર નવજાગ્રત પુષ્પની પાંદડીઓના મહેક મહેક સોહાગ હતા. ઘણા લાંબા સમયની નિદ્રા લીધા પછી જાણે કે એ ચિરપરિચિત સ્મિત નેત્રો ખોલતું હતું.

"ત્યારે તો તમારા મનોરથોને હું જુદી રીતે સમજતી હતી.”

“મારો મનોરથ એક જ છે.” એટલું કહેતાંની વાર જ નિરંજનની નજર નાની-શી બેઠક પર ગોઠવેલી એક તસવીર પર ઠરી. એ છબી સુનીલાના સદ્દગત પિતા પ્રો. શ્યામસુંદરની હતી. “મારે એક અધ્યાપકના