પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પામરતાની મીઠાશ
147
 

નિરંજન ન બોલ્યો. નવયુગની સ્ત્રીનું એક ધૃષ્ટ સ્વરૂપ એ નીરખી રહ્યો. સુનીલાએ એને યાદ આપ્યું: “વિદ્યાલય પર વાવટો ચડાવવાનો દિવસ ભૂલી ગયા કે ?”

“તમારો સદ્દબોધ મને નહીં સ્પર્શે તે દિવસ મને સાથ દેનાર પણ પડખામાં હતું ને !"

“તે તો આજેય છે.”

“નથી – જેના મસ્તક પર મારી વિજયકલગીઓ રોપું તે નથી એ.”

“વિજયકલગીઓને લટકાવવાની ખીંટી જોઈએ છે ? તેટલો જ આશય છે તમારા વિજયોનો અને યુદ્ધનો ? કલગીઓ એકઠી કરવાનો જ ? ને તે પણ કોઈ બીજા જણને માટે ? શોભાની એવી કલગીઓ પર મુગ્ધ બનીને હું તમને નથી ઉત્તેજતી.”

"ત્યારે ? એવી કલગીઓને પહેરનાર એક અંબોડા વિના પુરુષનું પૌરુષ શી રીતે તમતમી ઊઠે ?”

“પુરુષના પુરુષાતન વિશે મારા ખ્યાલો એટલા સાંકડા નથી. પુરુષાતનની કલગીઓ અને લોહીધારો આજસુધી એકાદ કોઈ સ્ત્રીના પ્રેમ ઉપર જ ચડતી રહી છે. હવે તો કૃપા કરીને પુરુષાતનનો માર્ગ બદલો !”

કેટલી શુષ્ક ! કેટલી પ્રાણહીન ! માથામાં નરી પંડિતાઈ જ ભરી છે. કલેજું એના રૂધિર-માંસના કોઈ નીચલા બેવડમાં જ ખોવાઈ ગયું છે. એનાં ચરણોમાં ઝૂકવા જતું પૌરુષ એના પગની લાતો ખાય છે. મુસીબત તો એ છે કે આ લાતો મર્દની નથી, નારીગર્વની નથી. સ્ત્રી સન્માનની ખંડણીઓ ભરાવનાર, નૈવેદ્યના થાળો સ્વીકારનાર, મરદાનગીના મુકુટોને પોતાની મોજડીઓ પાસે લોટાવનાર અને ડાબા હાથની આંગળી ઉપર અકેક તોછડું ચુંબન લેવા માટે પુરુષને લટ્ટુ બનાવવાની હીન વાંછના સેવનાર આ મનોદશા નથી.

યુગયુગો આવી ગયા. પુરુષને બીજી આવડત નથી. એની વીરશ્રી પોતાની વિજયપ્રાપ્તિ થઈ ચૂક્યા પછી પણ સ્ત્રીના કદમોને શોધે છે. એકાદ