પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
148
નિરંજન
 

કોઈ કંકુવરણી અથવા મેંદીરંગી પાનીના સ્પર્શ વગર રહી જતું વિજયી નર-લલાટ નિષ્ફળતાના ચસકા અનુભવે છે. નારીના સૌંદર્યવિધાન અને શોભાશણગાર ઉપર જેમ નરને રંજન કરવાની એકમાત્ર પુરાતન વૃત્તિની છાપ છે, પુરુષના દાસીપદનો સિક્કો છે, તેમ સામી બાજુ નરની ઘણીખરી પુરુષાર્થ-સિદ્ધિઓ ઉપર પણ નારીના રાતા કદમની છાપ છે.

એ યુગયુગોની પરંપરા સામે અવાજ ઉઠાવનારી આ છોકરી ! કોણ છે આ ? શાની ઘડી છે એને કુદરતે ? આમ છતાં આટલી ઠંડીગાર !

પ્રથમ જેને પ્રણયિની સ્વરૂપે નિહાળી હતી, પછી ધર્મભગિની લેખે, તે પછી બંધુરૂપે, મિત્રરૂપે, કર્તવ્યસાથીરૂપે, યુદ્ધભાગિનીરૂપે, ને છેવટે દુર્દામ, ન પહોંચી શકાય તેટલી વેગળી, સળગતી સૌંદર્યજ્વાલારૂપે, તેનું નવીન સ્વરૂપ અત્યારે નિરંજનના હૃદયમાં સર્જાયું. એનામાંથી સ્ત્રીત્વ ક્યાંક ઓસરી ગયું. નારી તરીકે વિવશ કરતી, આકર્ષતી, તલસાવતી એ બંધ પડી. એનો સહચાર સુંવાળા સ્નેહ-વશીકરણની મોહિની વગરનો બન્યો. એ તો બની ગઈ જાણે કે પ્રકૃતિ: કુદરતની લઘુ તેજ-મૂર્તિ: પ્રાણીમાત્રને વિકાસક્રમના પંથ પર ચાબુકો મારી મારી ચલાવતી; જલજીવને પટાવી, સતાવી, પ્રહારો લગાવી જોરાવરીથી કાદવ-જીવમાં પ્રવેશ કરાવનારી; કાદવના જાનવરને પૃથ્વીનું પ્રાણી કરતી. પૃથ્વીના પ્રાણીને માનવ-યોનિનો અવતારી બનાવતી... એમ આગળ ને આગળ ધકેલતી પ્રકૃતિ પેઠે સુનીલા જાણે કે નિરંજનના ભીરુ આત્માને ગરદન ઝાલી બળજબરાઈએ એક પછી એક પૌરુષ-ભૂમિકા પર ચડાવતી હતી. નાના શિશુને ભાંખોડિયાંભર, ઘૂંટણભર, પા પા પગલી, ટટાર દેહ અને દોટમદોટ ગતિ પર મૂકનારી જાલિમ જનેતા એવી જ મમતાભરી હોય છે.

નિરંજને નિહાળ્યું સુનીલાનું પ્રકૃતિ-સ્વરૂપ. જાતીય આકર્ષણ ઊડી ગયું. સુનીલાની દેહલક્ષ્મી નિસર્ગની નવનવરૂપિણી સૌંદર્યલક્ષ્મી બની ગઈ. ઘડી ઉગ્ર, ઘડી પછી પ્રશાન્ત, ઘડીક સળગતી, ઘડી પછી અમીવર્ષિણી; ઘડી અગાધ, ઘડી પછી ઝરણ જેવી રૂમઝૂમતી: પણ નારી નહીં, નિસર્ગ.