પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવું લોહી!
151
 


ફક્ત એક જ વાત, કે જેના લગ્ન-અભિલાષ કોઈ એક નાની ચળવળના તરવરાટ તળે ચંપાઈ બેસે તે જુવાનને તે કેવો માનવો? પરણવું એમાં ક્યાં આડે આવતું હતું !

જવાબ એક જ હતોઃ નિરંજન તો દયાથી દોરાઈને આ લગ્ન કરતો હતો, પ્રેમથી પ્રેરાઈને નહીં. એ વાતની સરયુને જાણ નહોતી. એને તો યાદ હતી નિરંજનની બે મોટી મોટી આંખો. એ આંખોનાં અમી ઉપર ‘દયા’ અથવા 'પ્રેમ' જેવું કોઈ લેબલ નહોતું. યુવાનનાં નેત્રોમાં પ્રેમ અને દયા બંનેની નોખનોખી ભાષાઓ હોય છે, એવી સરયુને સમજ પણ નહોતી.


34
નવું લોહી !

યુનિવર્સિટીના રજિસ્ટ્રારપદે એક પ્રૌઢ પારસી સજ્જન વિરાજતા હતા. ધોમ તપતા વેરાનમાં એકાકી વડલાની ઢળતી છાયા સમી શીતલ એ પુરુષની પ્રતિભા હતી. એમનું કાર્ય કેવળ વહીવટી હતું. વહીવટની શુષ્કતામાં પણ એના વિદ્યાપ્રેમનાં ઝીણાં ઝીણાં અમીઝરણાં ફૂટતાં. હજારો દેશયુવકોની કારકિર્દી ઉપર પોતાની સહી છપાતી નિહાળી એ પુરુષને પોતાની નૈતિક જવાબદારીની અટક રહેતી. વિદ્યાપીઠના દિનપ્રતિદિન બગડતા, નિસ્તેજ થતા જતા ગૌરવ ઉપર એમનું હૃદય જલ્યા કરતું. એમણે સુનીલાના કાગળ પરથી પેલા બંને પરીક્ષાપત્રો કઢાવ્યા. બેઉ જણાંના જવાબપત્રો પણ જોયા-જોવરાવ્યા. સેનેટની સમક્ષ રજૂ કરવા સરખી વાત છે એવી એમને ખાતરી થઈ ચૂકી. પોતે કશું આગળ પગલું ભરે તે પૂર્વે અપરાધી પ્રોફેસરને એમણે મળી જોવાનું મુનાસિબ માન્યું.

એ મુલાકાતે તો એમની આંખો સામે આખોય સડો ઉઘાડી નાખ્યો.