પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવું લોહી !
155
 

ને એ જ સહુએ, નિરંજન ત્યાં આવ્યો ત્યારે એક પછી એક ઊભા થઈ, એના પંજા જોડે પંજા મિલાવી ચિત્કાર કર્યો કે, “અભિનંદન ! ખૂબ ખૂબ અભિનંદન ! તમારું ઊઘડતું ભાષણ તો ખરે જ સહુને મુગ્ધ કરનારું બન્યું છે; અને આપણે પ્રોફેસરોએ હવે રૂઢિગ્રસ્ત 'લેક્ચરિંગ'ના ચાલુચીલા છોડવા જ જોઈએ.”

“અમે તો, ભાઈ," ખિસકોલીના પુચ્છ-શી મૂછોવાળા વૃદ્ધે ગડુદિયાના ધડાકા જેવા શબ્દોમાં કહ્યું, “અમે તો હવે એક પગ કબરમાં મૂકીને ઊભા છીએ. તમે નવીનો જ નવી ઝલક લાવી શકશો; અમારા તો આશીર્વાદ જ ઘટે તમોને નવીનોને.”

"પણ મેં લેક્ચર કર્યું જ નથી,” નિરંજને આ વક્રોક્તિઓનું કુંડાળું ભેદ્યું, “મેં તો સાદો વાર્તાલાપ કર્યો. મારે તો નવા વિદ્યાર્થીઓને બતાવવું હતું કે વિદ્યા કરતાં જીવન વધુ મોટું છે. ઝરણાંની કવિતા માણતાં પહેલાં રોજનું પીવાનું પાણી અને 'લોજિક'નાં સિલોજિઝમ કરતાં મનશરીરની સ્વચ્છતા વધુ તાત્કાલિક સંભાળની બાબતો છે.”

“અરે, હું તો એટલે સુધી માનું છું – ” પેલા વૃદ્ધે કહ્યું, “કે, વિદ્યાપીઠનાં પુસ્તકાલયોને સળગાવી મૂકી તેની જગ્યાએ સ્વચ્છતાનાં સ્નાનાગારો ખોલવાં જોઈએ ને એલ્જિબ્રાના અધ્યાપકોને બરતરફ કરી દાતણ કરવાનું શીખવનારી કુશળ ડોસીઓ રોકવી જોઈએ.”

“હા જી,” નિરંજને જવાબ આપ્યો, “દાખલો લઈ શકાય, કે આપની એકની જ જગ્યા કમી કરવાથી રૂપિયા સાતસોની બચત રહે, ને એ બચતમાંથી મારા જેવા પાંચને રોકી શકાય. તો વિદ્યાર્થીઓનાં દાતણ, પીવાનાં પાણી, ચા, જાજરૂ અને રોટલીના આટા ઉપર બરોબર લક્ષ અપાય.”

સાંભળનારાઓ સ્તબ્ધ થયા. પેલા પૂજ્યગુરુ ગણાતા વૃદ્ધ પ્રોફેસરની આટલી અદબ કોઈ દહાડો કોઈએ ત્યજી નહોતી. એમને સંબોધીને તો કાવ્યો રચાતાં. એમના માનીતા થવાનો સહુને મોહ હતો.

એમના મોંમાંથી પ્રશંસાનો એકાદ બોલ ઝીલવાનું સૌભાગ્ય તો વિરલ