પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
158
નિરંજન
 

જ સંકોચે કહી શક્યો કે, “શું કરું ! જૂની આદત છે. ત્રણ પેઢીની જૂની.”

“તમને કશીક ગેરસમજ થઈ છે, મિ. લાલવાણી !” નિરંજને કહ્યું, “એ ગેરસમજ ટાળવા માટે હું વહેલી પરોઢે તમારા ખંડમાં આવીશ. જન્મગાંઠની ચા મને પાશો ને ?”

વહેલો ઊઠીને નિરંજન ગયો. લાલવાણીની જોડે એણે ચા પીધી. પછી કહ્યું: “હવે એ રકાબીની ઉદ્દઘાટનક્રિયા મારા જ મુબારક હસ્તે કરવી છે.”

"કેવી રીતે ?”

“મને એક સિગારેટ આપો.”

લાલવાણી અજાયબ થયો. થોથરાતે હાથે એણે નિરંજનને સિગારેટ આપી.

“તમે પણ લ્યો.”

"તમારી સમક્ષ...”

“નહીં, મારી સંગાથે. સળગાવો દીવાસળી.”

નિરંજનની બીડી સળગી. એક ક્ષણમાં તો એના કંઠમાં અઢાર અક્ષૌહિણી ખેલી ઊઠી. ઉધરસનું તાંડવ મચ્યું. સ્વચ્છ રૂપાળી રાખની રકાબીમાં એ આખી જ બીડીનું આરોપણ થયું.

ખાંસી શમાવીને નિરંજને ખુલાસો કર્યો:

“મિત્ર, રકાબીની ભેટ મોકલવામાં મારો કટાક્ષ નહોતો, હાં કે? તમારી એ આદત છે. બીજાની બીજી હશે. મારામાંય વધુ ખરાબ ત્રીજા પ્રકારોની કુટેવો પડી હશે. નિર્વ્યસનીપણું પણ ઘણી વાર વ્યસનની જ અનિષ્ટતા ધારણ કરે છે. આપણને કોઈને કોઈના દોષોની ચોકી અથવા હાંસી કરવાનો હક નથી. હું ફક્ત એટલું ઈચ્છતો હતો કે એક જ એશ-ટ્રે વસાવવાથી તમારો ખંડ કેટલો બધો રૂપાળો બની રહે !”

"તમને મારા ખંડને સુંદર બનાવવાનું કાં સૂઝ્યું ?”

“મને અહીં આવીને બેસવું ગમે છે, એટલા માટે.”

“મારા જેવા વ્યસનીની, રઝળુની, ઠોઠની જોડે બેસવું ગમે એ