પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જુવાનોનાં હૈયાંમાં
159
 

વાત હું કેમ માનું, સાહેબ?”

“લાલવાણી, તમે તમારા શાયર શાહ અબ્દલતીફની કાફીઓ ગાઓ છો તે મને મુગ્ધ કરી અહીં ખેંચી લાવે છે.”

"એ તો જખમી દિલની કાફીઓ છે.”

“ને એને તમે ગાઓ છો પણ જાણે જખમી દિલે.”

લાલવાણીના વીશેક વર્ષના રોશનદાર નમણા સિંધી ચહેરા પર ગલ પડી ગયા. એ ગાલોનાં ગલફૂલો ઉપર હમણાં જ જાણે ટપકી પડશે એવાં બે ઝાકળ-ટીપાં સમ આંસુ લાલવાણીની પાંપણો પર લટકી રહ્યાં.

"લાલવાણી, દોસ્ત,” નિરંજન પોતાની ભૂલ સમજ્યો. પોતે આ યુવાનના કલેજાનું કોઈ મર્મસ્થલ હલાવ્યું હતું. પોતે લાલવાણીને માથે હાથ મૂક્યો, “ભાઈ, દરગુજર કર. તારી જન્મગાંઠ પર કશી ગ્લાનિની છાયા પાડવાનો મારો હેતુ નહોતો.”

લાલવાણીની પાંપણેથી પાકેલાં ફળો જેવાં લટકતાં ટીપાં ખરી પડ્યાં. એણે આંસુને હાસ્યની થાળીમાં ઝીલ્યાં.

નિરંજને દીવાસળી સળગાવી. જુવાનના મોંમાં પેલી બૂઝી ગયેલી બીડી મૂકી. પોતે જ એની બીડીને ચેતાવી દીધી.

"ચાલો હવે, આપણે આજે જોડે જ તમારી જન્મગાંઠ ઊજવીએ. પહેરો કપડાં.”

“આ પહેરેલાં જ ઠીક છે, સાહેબ.”

“નહીં, નહીં, ન ચાલે. જોવા દો મને.” કપડાંની સૂટકેસ ઉઘાડી જ પડી હતી. એની અંદર એક સાદી જ જોડી ધોબીની ધોયેલી હતી.

નિરંજને એક ખાલી ખોખામાં મેલાં કપડાંનો ગંજ જોયો. એક મહિના સુધીનો મેલ એકઠો થયો હતો. એ કપડાં ગંધાતાં છતાં એક સિંધી જુવાનની રસિકતાનો ઈતિહાસ કહેતાં હતાં. બાલોશિયાની ઝાલરિયાળી ચાદરો ઉપર 'મને સંભારજો!' 'મીઠી નીંદ' વગેરે અર્થોવાળાં વાક્યોનું કોઈએ ગૂંથણ કર્યું હતું. સુરવાલ, ખમીસ, કબજા વગેરેમાં બુટ્ટા, વેલ અને ચીડિયાંથી ભરપૂર બાગનું ભરતકામ હતું.