પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જુવાનોનાં હૈયાંમાં
161
 


“આજે આપણે દરિયામાં સફર કરવાની ભૂલ જ કીધી છે.”

"દરિયો તો વીસરવાની વાતોને પણ યાદ કરાવી આપે છે.”

“તમને શું ઘર યાદ આવે છે, લાલવાણી?”

“નહીં જી, મારે ઘેર કોણ છે તે યાદ આવે !”

“માતા, પિતા, ભાઈ, બહેન, કોઈ નહીં?”

"કોઈ નહીં.”

"ત્યારે અત્યારે તમારો વિદ્યાભ્યાસ વગેરે કોણ સંભાળે છે?”

“એક દૂરના સગા મારા આશ્રયદાતા છે.”

"તમને તો એ ખૂબ મોજ કરાવે છે કે શું?"

“એ તો કરાવે જ ને?”

“કેમ? કશી મતલબ?"

“મારી વેરે એની પુત્રી પરણાવવાની."

"ઓહો, ત્યારે તો તમને બેવડો લાભ: પુત્ર તરીકે અને જમાઈ તરીકે.”

લાલવાણીએ કશો જવાબ ન આપ્યો.

“સુખી લાગો છો, પૂરા સુભાગી લાગો છો તમે, લાલવાણી ! તમને વિનોદ, ટીખળ, તોફાન કરતા જોઈને હું વિચાર્યા જ કરતો કે આ કઈ દુનિયાનો મોરલો હશે !”

લાલવાણી ન બોલ્યો.

“પણ તમે દર્દભરી કાફીઓ ગાઓ છો ત્યારે તદ્દન બદલાઈ જાઓ છો. તમારી ઉચ્છૃંખળ પ્રકૃતિના ઊંડાણમાં કશુંક દર્દભર્યું તત્ત્વ પડ્યું હોવું જોઈએ: આપણા દોસ્ત આ દરિયાની માફક.”

લાલવાણીના ચંપલના ચપચપાટ સિવાય એનું આખું શરીર ચુપકીદી જ ધરી ચાલ્યું આવતું હતું.

“છો પડ્યું. મારે એને નથી અડકવું. તમે ન ગભરાશો. તમને જન્મગાંઠના દિને મારી પ્રેમભરી મુબારકબાદી છે. ફરી મળશું. હું આવું કે?”

“જરૂર આવો.”