પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
164
નિરંજન
 

પર જ્વાલા ઝરતું વજન અફળાયું. તલસાટની પાંખો, વિજોગ-સરિતાના સામાં તીર પરની કોઈ 'આવ ! આવ !' વાણી સાંભળી ઊંડા જલપ્રવાહને તેમ જ ધગધગતા રેત-પટને ઓળંગી સામા તટની આંબાડાળે ચંચુમાં ચંચુ પરોવવા માટે ફફડી ન ઊઠી. એને અંતરે સ્પર્શી શકી કેવળ અનુકંપાની લાગણી.

ને અનુકંપા તો ક્ષણજીવી છે. એ દયાપ્રેરિત પરણેતરનો મોહરહિત પ્રસંગ અળગો ને અળગો ઠેલવાની ઈચ્છાએ નિરંજને કારણોના તાર પર તાર કાંત્યા. આવી તે શી ઉતાવળ ? હું હજુ ક્યાં ઠેકાણે પડ્યો છું ? લગ્ન થયા અગાઉ આવા કાગળો કંઈ લખાતા હશે ? આવું મુડદાલ માનસ તો કેવળ મારા ખભા પર ટેકો લઈ લઈને જીવશે, મને જકડી રાખશે, મારા જીવનકાર્યમાં વિક્ષેપ પાડશે: હજુ એણે થોડો અભ્યાસ કરવો જોઈએ. સ્વાવલંબનની વૃત્તિઓ જો પ્રથમથી જ મરી જશે તો મારા કોઈક દુર્દેવની ઘડીએ – મારી માંદગી, બેકારી, ગરીબી અથવા મૃત્યુના સંજોગોની વચ્ચે - એ કેવી ભાંગી પડવાની ! આજ સુધીની સ્ત્રીજાતિએ જે અબળાપણું ભોગવ્યું છે, ને સ્વતંત્રતાનો યુગ ઊગ્યા પછી પણ જે દુર્બળ સંસ્કારો સ્ત્રી જાતિને હજુ ત્યજતા નથી, તેનું કારણ જ એ છે, કે સ્ત્રીને આર્થિક સ્વતંત્રતાની તાલીમ જ નથી અપાતી. કેવળ ચોપડીઓ જ વાંચવા દેવામાં આવે છે.

માટે ? માટે સરયુને એવી તાલીમ લગ્ન પહેલાં જ મળી જવી જોઈએ. નહીં મળે તો હું જ એની કાયમી નિરાધારીનો જવાબદાર બનીશ.

એ મૂંઝાય છે ? કંઈ ફિકર નહીં. એ પણ સ્વાશ્રયની તાલીમ જ છે. મૂંઝવણમાંથી માર્ગ કેમ કાઢવો તેની એને આપોઆપ જ કળવકળ સૂઝશે. જુઓને, કાગળ લખવાની મૂંઝવણ વચ્ચેથી એણે કેવો માર્ગ કાઢી લીધો ?

ને – ને – શું ? – હં – એણે મનેય આ રીતે મૂંઝવવો ન જોઈએ. મેં મારી કેવી કીમતી લાગણીઓને કચડી નાખીને એનો સ્વીકાર કર્યો છે ! એ વાતની પણ એને કદર તો હોવી જોઈએ કે નહીં ?

જવાબ લખી નાખું. પણ ક્યાં લખું ? સરનામું તો એણે લખ્યું