પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'મારા વહાલા !'
165
 

નથી. ઠીક છે. જવાબ નહીં લખું એટલે પોતાની જાતે જ એ બીજો પત્ર લખી મને ઠેકાણું જણાવશે. બેશક, હું એના બાપુને એક કાગળ લખી તેમાં સરયુ પરના પ્રત્યુત્તરનું કવર બીડી શકું છું. પણ, હવે એને જ કાં મુશ્કેલીમાં માર્ગ કાઢવાની એક તક ન આપું ? એ જ ઠીક છે.

તોડ કાઢીને પોતે પ્રસન્ન થયો. અટપટી ભાસતી જીવન-સમસ્યાઓના ઉકેલ કેટલા બધા સરલ હોય છે ! એમ એ પોતાના મનની જોડે વાર્તાલાપ કરવા લાગ્યોઃ

'દુર્ગમ પહાડોનેય દારૂની નાની-શી નળી ભેદી નાખે છે.’

‘પણ તમારે મને ભણાવીને શું કરવું છે ?’ સરયુની મનોમૂર્તિ પૂછી રહી હતી.

'વાહ !' પોતે જ ખોટેખોટું હસીને જવાબ વાળ્યો, ‘તને મારે મડમડી તો થોડી જ કરવી છે ? તેમ તારી જોડે ‘શાકુંતલ' પણ નથી વાંચવું. છતાં ભણતર એક જાતની આત્મશ્રદ્ધા આપે છે, ખુમારીનો રંગ ચડાવે છે, એ તો ખરું જ ને ?'

'ક્યાં જોયું એ બધું ?' પેલી મનોમૂર્તિએ જાણે ધૃષ્ટ બની પૂછ્યું: 'તમારી આસપાસ જોયું એ ક્યાંય ? કોઈનામાં ? તમારામાં ?'

'પુરુષમાં ભલે નહીં. સ્ત્રીમાં તો ખરું જ ને ?' પોતે જવાબ વાળ્યો.

'કઈ સ્ત્રીમાં ?' પાછો પ્રશ્ન પુછાયો: કલ્પનામાં સરયુ બહુ ચિબાવલી થતી લાગી.

'મારે નામ નહોતું દેવું. જાણીબૂઝીને શીદ બોલાવે છે તું મને ? લે આ કહી નાખ્યું: સુનીલામાં.'

'પણ સરયુને સુનીલા નથી બનવું તમારી દાસી થવું છે.'

'દાસી ? હં. દાસીને હું શું કરું ? ઠીક છે. છોડ આ વિવાદ, ને ભણવા લાગ. મને ધૂળ ખબર છે, કે ભણીને તારે શું થવું છે ! મારે તો થોડો સમય ખેંચી કાઢવો છે.'

'પણ શા માટે ?'

‘એ પણ મને ખબર નથી.'