પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
166
નિરંજન
 


37
વિકૃતિ કે પ્રકૃતિ ?

'વો કલ્પિત વાર્તાલાપ પૂરો કરીને નિરંજન ભોજનગૃહમાં જમવા ગયો. લાલવાણીની બાજુમાં જગ્યા ખાલી દીઠી. તે એ તરફ ગયો.

“ત્યાં નહીં, ત્યાં નહીં, અહીં આવો.” જુવાનો એક વચલા પાટલા તરફ નિરંજનને બોલાવવા લાગ્યા. લાલવાણીની બાજુનો પાટલો ભાંગેલો, ગંદો પણ હતો. બાજુમાં મેલું પાણી જામેલું હતું, છતાં જીદ કરી નિરંજન ત્યાં જ બેસી ગયો.

કોઈક એવી નિગૂઢ સુકુમારતાથી નિરંજનની મીટ લાલવાણીના મોં પર મંડાઈ રહી કે જમવા બેઠેલા સર્વને સમસ્યા થઈ પડી.

લીંબુનો પોતાના ભાગનો ટુકડો અને ચટણી નિરંજને લાલવાણીની થાળીમાં મુકાવી દીધાં, ખમણઢોકળાનું પણ તેમ જ કર્યું.

"નહીંજી, મારે નહીં જોઈએ.” લાલવાણી જોરથી બોલ્યો.

“મારે ખાતર, મારા સોગંદ” નિરંજન ધીરા સ્વરે, કાકલૂદીભર્યા સ્વરે મનાવવા લાગ્યો.

થોડાક દિવસ પછી નિરંજન પંગતમાં જવું છોડી દીધું, પોતાના ખંડમાં જ થાળી મંગાવવા માંડી. તે પછી તરતમાં લાલવાણીની થાળી પણ પતંગમાંથી ઊપડી ગઈ. બેઉનું સહભોજન નિરંજનના રૂમમાં ચાલુ થયું.

લાલવાણી બીજા વર્ષમાં હતો. ફેલો તરીકે નિરંજનને ફક્ત પહેલા જ વર્ષના વર્ગને વ્યાખ્યાનો આપવા જવાનું હતું. એ વર્ગના ખંડમાંથી બીજા વર્ગનો ખંડ સામસામો દેખી શકાતો. કોણ જાણે શું થયું કે નિરંજને વ્યાખ્યાન-પીઠ પર ટેબલની આગલી બાજુ ઊભવાનો હંમેશનો ક્રમ છોડી દીધો. ટેબલની પાછળ ખુરસી, ખુરસીની પાછળ પોતેઃ નવી રચના એ જાતની બની. ને વારંવાર એનું લક્ષ ડાબા હાથ તરફની બારી તરફ જવા લાગ્યું. છોકરાઓ કુતૂહલ પામીને તપાસવા લાગ્યા. સામા ક્લાસની