પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
168
નિરંજન
 

કરાવવા માંડ્યા.

લાલવાણીએ એક દિવસ રાતના એક વાગ્યે જાંબુ માગ્યાં, તો નિરંજન શહેરમાં જઈ, હલવાઈની બંધ દુકાન ઉઘડાવી બમણા ભાવે જાંબુ લઈ આવ્યો.

દીવાની જ્યોત વાયુમાં થરથરે તેમ નિરંજનની હૃદયજ્યોત કંપી ઊઠી. પોતે તેવા અનુભવને માટે કદાપિ તૈયાર નહોતો.

આરંભ કર્યો ત્યારે જે કર્તવ્યશીલ માયામમતા હતી, ને આગળ ચાલ્યો ત્યારે જે મિત્રતા ભાસી હતી, તે આજે કયા ઉદ્દભ્રાંત પ્રેમમાં પરિણમી ? નિરંજનના પગ તળે પૃથ્વી સળગતી હતી. કોઈ જાણે એને અજાણપણે કોઈ કેફી પદાર્થ ખવરાવી ગયું છે. કોઈ જાણે એને બેવકૂફ બનાવી રહેલ છે. એ ચમકી ઊઠ્યો. આ અનુભવ કઈ અનોખી દુનિયામાંથી આવ્યો ? નાસી જાઉં ? ક્યાં નાસી જાઉં ? આત્મઘાત કરું ?

બે વર્ષ પરની એક વાત યાદ આવી. બે યુવાનો વચ્ચે આવી પાગલ પ્રીતિ અહીં જ જોડાઈ ગઈ હતી. એમની બદનામી કરવામાં છોકરાઓએ મણા નહોતી રાખી. બેમાંથી એકને માટે પ્રિન્સિપાલે એના પિતા પર ચોંકાવનારા પત્રો લખેલા. પિતા આવીને પુત્રને સોટીએ સોટીએ મારી, પકડી, જકડી, મોટરમાં નાખી લઈ ગયો હતો; ને પાછળ રહેલા એ એકાકી વિદ્યાર્થીને પ્રિન્સિપાલે વિદ્યાલયમાંથી બરતરફ કર્યો હતો. એને માબાપ નહોતાં; કોઈ નહોતું.

પેલા વિખૂટા પડેલા વિદ્યાર્થી ઉપર દીવાનીભર્યા શબ્દોમાં પ્રેમપત્ર લખીને એ દરિયામાં ડૂબી મૂઓ હતો.

હું એ ઘટના પર હસ્યો હતો.

એવી નાલેશી ઉપર મેગેઝીનમાં તરપીટ પડી હતી. ત્રીજે વર્ષે પાછો પેલો વિદ્યાર્થી ફરી અભ્યાસ જારી કરવા આવ્યો, ત્યારે એ પણ પોતાના ડૂબી મરેલા પ્રિયતમની બેવકૂફી ઉપર રુઆબભેર દાંત કાઢતો હતો. વિદ્યાલયના સંડાસની તેમ જ સ્નાનગૃહની દીવાલો અસહ્ય અશ્લીલતાથી લખાયેલ લેખો વડે આજે પણ એ કથાના પુરાવા આપતી હતી.