પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિકૃતિ કે પ્રકૃતિ?
169
 

ને આજે જ મેં જોયા ત્યાં ફક્ત આટલા જ શબ્દોઃ “સ્ટ્રેન્જ લવ-ડ્રામા બીઈંગ રિ-સ્ટેજડ ઈન ધ કૉલેજ.”

હવે આ પેનસિલો ક્યાં પહોંચશે ?

આ તે કયા પ્રકારની લાગણી છે ? હાઈસ્કૂલ અને કૉલેજનાં મળી જે દસ-અગિયાર વર્ષો, જે કટોકટીનાં વર્ષો, જે વર્ષોના વચગાળામાં આવી સ્નેહવેદના રમણ કરે છે, તે વર્ષોમાં એક પણ સ્થળે આ વિષય પરનું રસ્તો દેખાડનારું સાહિત્ય કાં ન મળે ?

'શાકુંતલ'નો અનર્થકારી ગુપ્ત પ્રણય શીખવાય છે, કે જેની જોડે આજના જીવનનો કશો સંબંધ નથી રહ્યો. 'માલતીમાધવ'ના મનોવ્યાપાર શીખવાથી કોઈ જુવાનને માર્ગદર્શન જડ્યું નથી. અને 'મેકબેથ', 'મરચન્ટ ઑફ વેનિસ'માં શેક્‌સપિયરે આજના યુવકહૃદયની એક પણ જીવતી સમસ્યા છેડી નથી. રાજારાણીઓનાં ને નવરા ધનિકોના એ આવેશની ઘેલછાઓ ખડકનારાઓએ ક્યાંયે, કોઈ એકાદ પંક્તિમાંયે કેમ ન સૂચન કર્યું, કેમ ન ખબર આપી, કેમ ન લાલબત્તી બતાવી, કે પુરુષ-પુરુષ વચ્ચેનો આવો ઊર્મિયોગ શાથી બને છે, ને કેવા પ્રકારનો બને છે ?

નિરંજન નગરના મોટા પુસ્તકાલયમાં દોડ્યો. એને આ વિષયનું નામ પણ નહોતું આવડતું. પણ પૂછે કોને ?

શહેરમાં એક દુર્જન રહેતો હતો. કૉલેજનો એ બરતરફ થયેલો પ્રોફેસર હતો. એનું ઘર હિંસક પશુની ગુફા બરોબર ગણાતું. એને વિશે ન કહેવાય, ન સંભળાય એવી વાતો કહેવાતી હતી. દિવસ વેળાએ એના નામ પર જે થૂ-થૂ કરનારાઓ, તે જ રાત્રિકાળે એની સલાહો લેવા જતા.

એ દુર્જનને ઘેર નિરંજને ધ્રુજતે પગે પ્રવેશ કર્યો.

એની બેઠકમાં બીજું કશું જ નહોતું, પંદર-વીસ અંગ્રેજી ગ્રંથોની થપ્પીઓ વચ્ચે એ બેઠો હતો. શાંતિથી એ ગ્રંથોનાં પાનાં ઉથલાવી પોતાની નોંધપોથીમાં ટપકાવતો હતો.

ઓરડો સાફ, સ્વચ્છ, સાદાઈભર્યો હતો. ત્યાં એક પણ તસવીર નહોતી, નાની સાંકડી જાજમ ઉપર એ દુર્જનનું બિછાનું હતું.