પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8
નિરંજન
 


એ વાર્તાલાપ તો શોરબકોરમાં ડૂબી ગયો, પરંતુ સુનીલા જ્યારે શાંત દર્પ સમેત ટટાર થઈ ત્યારે જુવાનોનાં મોંએ મોંએ, પીપળાનાં પાંદડાં પવનમાં ખખડાટ કરે છે તેને મળતો એક મીઠો મર્મર-ધ્વનિ પ્રસર્યો. પ્રમુખે જાહેર કર્યું: “શ્રીમાન નિરંજનને શરીરે ઠીક ન હોવાથી તેમનું ભાષણ મિસ સુનીલા વાંચશે.”

એ દરમિયાનમાં સુનીલાએ ભાષણ પર દ્રષ્ટિ કરી લીધી. ભાષણનું મથાળું આવું હતું : 'ધ સ્પિરિટ ઓફ રેવરન્સ ઇન ચાઇનીઝ એન્ડ જાપાનીસ કલ્ચર’ (ચિનાઈ તેમ જ જાપાની સંસ્કૃતિમાં વિનયની ભાવના).

તરત જ સુનીલાએ મથાળું ફેરવીને મક્કમ, ધીર તેમ જ ડંફાસ વગરના છતાં દર્પ- ભરપૂર કંઠે શરૂઆત કરી: “ધ સબ્જેક્ટ ઓફ માય લેકચર ધિસ આફ્ટરનૂન ઈઝ: 'ધ બુલી એન્ડ ધ કાવર્ડ' (આજ સાંજના મારા વ્યાખ્યાનનો વિષય છે: 'મવાલી અને હિચકારો').”

એટલું કહ્યું તેટલામાં બાલ્કનીમાંથી એક ઈંડું પડયું. ઈંડું સુનીલાની છાતી પર તૂટ્યું, એનાં કપડાં ખરાબ થયાં.

સુનીલાએ ન સાડી તરફ નજર કરી, ન ઈંડું ફેંકાયાની દિશા તરફ આંખ ચલાવી. ઇંડું પાડવાની ક્રિયા અને સુનીલાનું અચલાયમાનપણું, બેઉ એટલાં તો લગોલગ દેખાયાં, કે એની અસર વીજળીના 'નેગેટિવ'-'પોઝિટિવ' તારોના છેડા મળે તેવી જાતની બની. સભાજનોને હસવું હતું, હોહા કરવી હતી, પણ હવામાં પથ્થર ફેંકનારનો હાથ જેમ ધ્રસકાય છે, તેમ હસનારાઓના હાસ્યની વૃત્તિ પણ સામો પછડાટ ન મળવાથી કમજોર બની. સર્વની આંખોમાં કુતુહલ અને ધન્યવાદનાં કિરણો ચેતાયાં. સહુએ પોતાના ઉપકારક પેલા ઈડું નાખનાર જુવાન તરફ ધૃણા અનુભવી. એકે કહ્યું: “શેઇમ!” (શરમ).

ચાંપ દાબતાં જ દીવા થાય તે રીતે 'શરમ' શબ્દના ઉચ્ચાર જોડે જ પુનરુચ્ચારોની પરંપરા ચાલી. ટોળાનો મિજાજ પલટી ગયો.

પછી કાગળોનાં પાનાં ઉથલાવતી સુનીલા જેમ જેમ બોલતી ગઈ તેમ તેમ નિરંજન ચકિત જ થતો ગયો. એ જાણે કે હમણાં બોલી ઊઠશે