પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
170
નિરંજન
 


એ દુર્જનના ચહેરા ઉપર પિતૃભાવની રેખાઓ દોરાયેલી હતી. એણે કહ્યું: “સારું થયું કે તમે આવ્યા.”

"આપ મને ઓળખો છો ?”

"લોકો ઓળખાણ કરી આપે છે ને !”

નિરંજન સમજી ગયો કે નિંદાની જબાન અહીં સુધી લબકારા કરી ગઈ છે.

"બોલો, તમે બોલશો ? કે હું બોલું ?” દુર્જને પૂછ્યું.

“હું – હું – આ વિકૃતિને વિશે જાણવા માગું છું.”

"પ્રથમ તો એ વિકૃતિ જ નથી, ભાઈ ! એ તો પ્રકૃતિ છે.”

નિરંજન ચમકી ઊઠ્યો. પેલાનો સ્વર એકાએક જોશીલો બની કહી ઊઠ્યો: “પણ એ તો ચાલી જતી વાદળી છે. ચાલી જશે, ને જશે ત્યારે તમને બેઉને નવાઈ લાગશે, કે આ એક સ્વપ્ન હતું.”

“એ સ્વપ્ન હશે, પણ મારા જીવન ઉપર એણે છીણી લગાવી છે.”

“હું કલ્પી શકું છું: વિરોધીઓ વાતનું વતેસર વણી રહ્યા હશે.”

"મારે શું કરવું ?”

“ભય છોડો; ને આ વિશે થોડું વાંચી કાઢો.”

એણે એક પુસ્તક આપ્યું. એનો પ્રારંભ જ આ શબ્દોથી થતો હતો:

"ફિયર નોટ, નેચર કૉલ્સ ઈન એ નંબર ઓફ વોઈસેસઃ: ભય ન પામો. પ્રકૃતિ તમને અનેક સૂરોમાં સાદ કરે છે.”

એ પ્રારંભવાક્યે જ નિરંજનની અરધી વિકલતા. ઉપર શાતા છાંટી. બીજું વાક્ય આ હતું:

“છુપાવતા નહીં, પણ તમારી આસપાસના સર્વેને મોટે સ્વરે જાણ કરજો. ગોપનતા જ તમારો ભયાનક રિપુ છે. તમે જેઓને કહેશો, તેઓમાંથી ઘણાય તમને સામે આવી આવી જણાવશે કે અમારેય આવું બન્યું હતું, ને પછી એની ખોટી રહસ્યમયતા ચાલી જશે. ઝીણી ચિરાડો વાટે તાકતી આંખો અટકી જશે. તમારા અનુભવોને આગલે દ્વારેથી જ