પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બદનામ
175
 


39
બદનામ

"ભયંકર !”

"નિર્લજ્જતા!”

"ધૂર્તતા!”

એવા એવા અર્થના અંગ્રેજી ઉદ્ગારોએ વિદ્યાલયનું મકાન ગજવી મૂક્યું. લાંબી મૂછોવાળા પ્રોફેસરો તેમ જ મૂછો વિનાના, સર્વ મળી સામસામાં હેરત બતાવવા લાગ્યા. તેઓના પુણ્યપ્રકોપનો જુસ્સો જ્વાળામુખી ફાટીને પછી રસ ઝરે તેમ ડહાપણના અગ્નિરસને રેલવવા લાગ્યો.

“જુવાનોનું નખ્ખોદ વળી જશે."

"હું નહોતો કહેતો?”

“મેં તો ધારી જ મૂક્યું હતું."

“આટલા માટે તો અમે ડરીને વિદ્યાર્થીઓથી વેગળા રહીએ છીએ.”

“આ ગંદવાડો અહીં ન ચલાવી લેવાય.”

“પ્રિન્સિપાલને કહેવું જોઈએ.”

“પોલીસ કેસ થઈ શકે તો તે પણ કરાવવો જોઈએ.”

"હવે ભાઈ છોડોને ! એવી વાતની લાંબી ચોળાચોળ શી !”

- આમ આગ ઓલવનારા અવાજો પણ ઊઠ્યા. પણ એ અવાજોને આગ શોષી ગઈ.

વાત પ્રિન્સિપાલ પાસે ગઈ; પ્રિન્સિપાલે લાલવાણીને તેડાવ્યો, પૂછ્યું: “ડર રાખશો નહીં. શી વાત છે તે કહો.”

લાલવાણીના હૃદય ઉપર બદનામીનો ભાર હતો. અપકીર્તિની બીક ઉચ્ચ આત્માઓને પણ પછાડે છે. એ યુવાને પોતાની ચોગમ વાઘ-વરુ ઘેરી વળ્યાં જોયાં, ને આ બધાં પશુઓની વચ્ચે પોતાને લઈ જનાર