પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
176
નિરંજન
 

નિરંજન જ હતો, એવું એણે પોતાના મનને સુધ્ધાં મનાવ્યું હતું. સ્નેહનું મીઠું ઝરણું આ અપકીર્તિના સળગતા તાપથી સુકાઈ ગયું, ને તેની નીચેથી ભોરિંગો ઊઠ્યા. લાલવાણીને બીજી કશી જ ગમ ન રહી, એણે પોતાની જ સલામતી શોધી. એણે કહ્યું:

“હવે મને એમ ભાસે છે ખરું કે નિરંજનની મારા પરની મૃદુતા જો આંહીં જ ન રોકી દેવાઈ હોત તો કદાચ પાપમાં પરિણમી જાત. તે વખતે મને મારી નિર્દોષતાને લીધે આવું કશું ભાન નહોતું.”

પ્રિન્સિપાલે નિરંજનને તેડાવ્યો, પૂછ્યું. નિરંજને કશું ન છૂપાવ્યું; જીવનમાં પ્રથમ વારનો થયેલો આ માનસિક અનુભવ, પહેલી જ વાર નજરે પડેલો આ મનોભાવનો પ્રદેશ, એના હિસાબે તો ભવ્ય બાનીમાં રજૂ કરવા જેવો હતો. પ્રિન્સિપાલ સામે એ જ્યારે બોલી રહ્યો હતો, ત્યારે એને થતું હતું કે પોતે કોઈ કલાકાર બનીને સૂર્યાસ્તનું ચિત્ર દોરતો હતો.

“હું પોતે તો,” પ્રિન્સિપાલે કહ્યું, “આમાંની કેટલીક વસ્તુ સમજી શકું છું. પણ દુર્ભાગ્યે આંહીંના વહીવટી વાતાવરણમાં, ને કાયદાના વિચિત્ર વલણની સામે, આ વાતને કેવળ કવિતામય ગણી હું ચૂપ ન રહી શકું.”

“તો આપ શું કહો છો?”

"હું તમને જ પૂછું છું. તમે 'ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી' સામે ઊભવા માગો છો? કે ચુપચાપ રાજીનામા પર ઊતરી જવા માગો છો?”

“મારે નિર્દોષ કોની પાસે ઠરવું છે? કોણ મારી મનોભૂમિકામાં પ્રવેશી શકશે ? હું કોને, અને કઈ ભાષામાં સમજાવીશ? ઊલટાનો કાદવ ઊખળશે. અને મને અપરાધ ચડાવનાર જો લાલવાણી પોતે જ હોય, તો પછી મારે નિરપરાધી થવાની પણ શી તમા હોવી જોઈએ? એ કરતાં તો એ પ્રિયની રમ્ય નાની પ્રતિમાને મારા અંતરની કરી, એક ખૂણામાં અખંડિત લઈને જ હું કાં ન ચાલી નીકળું? ને જે વાત મારા પણ શાસન બહારની છે, મને પણ અગમ્ય કોઈ અતલ મનઃપ્રદેશની છે, તેને