પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
178
નિરંજન
 

સુનીલાએ પાછાં જઈને બારણું બંધ કરી દીધું.

એ પાછી આવતી હતી ત્યારે નિરંજનની નજર એના મોં પર ચોટી જ રહી ને એ ઉશકેરાટ અનુભવીને બોલી ઊઠ્યો: “અરે, આ શું ! આટલું બધું -”

છેલ્લો શબ્દ 'સામ્ય' એ મનમાં મનમાં બોલી ગયો. એનો હાથ કોઈ મોતી ઢૂંઢતા મરજીવાની માફક સાગરને છેક તળિયે લાગ્યો હતો.

એ તલસ્પર્શમાંથી જવાબ મળ્યો: ફક્ત એક જ અણસાર. આંખોને સ્થિર રાખવાની એક જ અણસાર બેઉની મળતી આવે છે. લાલવાણીના મોં પર હું એ એક જ અણસારને આધારે સુનીલા ભાળતો હતો. એ આંખોને મેં શું એટલા જ માટે ચૂમી હતી ! અત્યારે જાણે એ ચહેરો મને પૂરો યાદ પણ નથી આવતો. શી લીલા !

“કેમ?” નિરંજને પૂછ્યું, “મારું પરાક્રમ તો જાણ્યું હશે.”

“ઊડતી વાતો.”

“ઊડતી નથી; ડાળે બેઠેલી નિશ્ચિત વાતો છે.”

“મારે શું?"

એટલું કહીને સુનીલાએ પોપચાં નીચે ઢાળ્યાં ને નિરંજને આજે પહેલી જ વાર સ્વપ્નમાં જોતો હોય તેવી અશ્રદ્ધાથી જોયું કે સુનીલાની આંખોમાં સહેજ આંસુ છે.

"મારી કલંકકથાથી તમને શું છે તે આટલાં પરિતાપ પામો છો?”

સુનીલાએ આડી વાત નાખી દીધી: “બા તો ગયાં –"

“ક્યાં?”

“દીવાનાની ઈસ્પિતાલે.”

“અરે રામ !”

બીજા ખંડમાંથી એક બાળકનો અવાજ સંભળાયો: “બા ! બા ! ઓ બા !”

"આવ ! સુધીર, અહીં આવ!” નાનો ચારેક વર્ષનો બાળક એક બિલ્લીનું બચ્ચું ઉઠાવીને અંદર આવ્યો.