પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગ લપસ્યો
9
 

કે “મેં ક્યાં એમ લખ્યું છે?” – એ રીતે એના હોઠ ફાટ્યા રહ્યા બોલવા માટે થઈને વારંવાર ગળાને મોંના અમીથી ઘૂંટડે ઘૂંટડે ભીંજવવા મથ્યો; પણ સુનીલાએ એની સામેય ન જોયું, ને એણે ક્યાંય વિસામો, લીધો, ન એ થોથરાઈ, ન સભાજનોની સામે એણે નજર કરી. પણ એના પ્રત્યેક મુખોચ્ચારની અણી એક જ વસ્તુના સમર્થન તરફ એકાગ્ર થતી ચાલી કે, “હિંદને આજે પોતાની પ્રાચીન સભ્યતાના પ્રાણસ્વરૂપ વિનયભાવને થોડે ભોગે પણ 'બુલી'ની, મવાલીની ફાટેલી તાસીર કેળવવાની જરૂર છે.”

ને છેલ્લે છેલ્લે તો સુનીલા નિરંજનનો શ્વાસ ઉડાડી નાખે તેવું કશુંક પોતાના મગજમાંથી વાંચી રહી હતી:

"આપણી સ્ત્રીસન્માનની ભાવના ઢોંગી છે, હિચકારી છે. આપણે સ્ત્રીઓને રેલવેમાં કે ટ્રામ-બસમાં શા માટે ઊઠી જઈ બેઠક આપવી? એની બનાવટી મહત્તા શીદ વધારવી? એને લળી લળી શીદ નમન કરવાં? એની હાજરી હોય તેટલા જ કારણસર શા માટે આપણી તોફાનવૃત્તિએ દબાતા રહેવું? મનમાં મનમાં જો સ્ત્રી પર ઈંડાં ફેંકવાની ક્રિયા તરફ ગલગલિયાં અનુભવીએ છીએ, તો ઉપર ઉપરથી શા સારુ સ્ત્રીસન્માનના દંભ કરીએ છીએ? ફેંકી લઈએ ઈંડાં: એની પણ તાકાત હશે તો એ સામાં ફેંકશે. એને માટે આગલી બેઠકો અલાયદી રાખવાની જરૂર નથી” વગેરે વગેરે.

નિરંજન હેબતાઈ ગયો. એણે તો બધું જ આથી ઊલટું લખ્યું હતું ! સુનીલા આ શું ભરડી રહી છે ! આ બધો શો તમાશો જામી પડ્યો છે ! પોતાની જાતિને હીણપત દેનારું આ બધું સુનીલા આટલી મક્કમ શાંતિથી શી રીતે બોલી શકે છે !

વ્યાખ્યાનનું વાચન ખતમ થયું. સુનીલાએ કાગળો ગડી વાળી નિરંજનના હાથમાં મૂક્યા ને જે બન્યું છે તે બધું સ્વાભાવિક જ બન્યું છે એવું સૂચવતી, નિખાલસ, ક્ષોભરહિત મુખમુદ્રા રાખીને પોતે નીચે ઊતરી ગઈ.