પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
182
નિરંજન
 

મળતો રહેશે ત્યાં સુધી જ હું તમારે ઘેર રહેવાની.”

"હું તમને ખાતરી આપું છું કે એ ચહેરો નહીં બદલે.”

"કેમ ?”

"કેમ કે એ તો તમારા મનોભાવની જ મુદ્રા છે ને ? મૂળ ચહેરાના ઘાટઘૂટમાં તો કશું જ નથી.”

“ત્યારે તો હું સપડાઈ ગઈ.”

“કેમ ?"

“સુધીર ચહેરો બદલાવશે, એટલે એવું ઠરશે કે મારો મનોભાવ ભૂંસાઈ ગયો.”

“હા જ તો.”

નિરંજન આ વાર્તાલાપનો ચૂપ સાક્ષી બની ગયો. એને ગમ ન પડી કે પોતે તે કનકની દુનિયા ગુમાવી બેઠો છે, કે જીતી ગયો છે !

“હું કપડાં સરખાં પહેરીને આવું છું, હો !”

એમ કહી એ પુરુષ ગયો, ને સુનીલાએ કહ્યું: “છેલ્લી વારનાં આજે જોડે જ જમીશું ?”

“તમારા આ સંબંધની કોઈને જાણ છે ?”

“તમને એકને જ જાણ નથી; બીજાં સર્વ જાણે છે કે મને ફિટકારે છે.”

“ફિટકારે શા માટે ?"

“એટલા માટે કે મેં કોઈ રૂપવંતા રસીલા નવજુવાન પર મારું જીવન ન ઓવાર્યું, કે ન કોઈ પ્રોફેસર, સિવિલિયન, બેરિસ્ટર અથવા દેશભક્ત જોયો.”

“આટલી બધી ઠંડક રાખીને તમે બોલી શકો છો ?”

“એટલી ઠંડક ન રાખું તો તો મનની આગ મને ખાક કરી નાખે.”

નિરંજનને તો ન સમજાય તોય સાંભળવું ગમતું હતું. પૂછવા ખાતર એણે પૂછ્યું: “બા આવશે ત્યારે ?”

"ત્યારે આ બે બચ્ચાં ભેગું એ પણ ત્રીજું એક બચ્ચું.”