પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
186
નિરંજન
 

બેઉ જગતોનો જોડે વિચાર થયો નથી, થતો નથી. આખા જગતને અન્ન પૂરું પડશે તે દિવસેય, જો વાસના ભૂખી હશે તો અન્નને ભરખી જશે.

*

ધરતીમાંથી ઊભરાયેલ કીડિયારાને પાછું ધરતીમાં સમાઈ જતાં વાર નથી લાગતી. જાગતી જનતા અને એનો મહારાવ પણ મોડી રાતે વિરમી ગયાં. ક્યાં જઈ સમાયાં? – સમજવું કઠિન પડે. સાગરનાં ભરતીઓટ જેવું જ જનતાનાં જાગૃતિ અને વિલયનું રહસ્ય છે.

એ વખતે નિરંજન ચાલતો હતો; પહેરેગીરો ટપારતા, તો કહેતો હતો કે દવાખાને જાઉં છું. સજ્જન દેખાતી એની શકલ એને માટે રસ્તો કરતી હતી.

દવાખાને જતાં ઊંડો નિર્જન રસ્તો આવતો. એક કબ્રસ્તાનનું ત્યાં પછવાડું હતું. ખીજડાનું એક તોતિંગ ઝાડ ત્યાં થોડે પાંદડે ઊભેલું હતું. કુદરતે ઝાડના થડમાં પોલાણ કોતરેલું હતું. સુધરાઈના દીવા ત્યાં લાંબે ગાળે ખોડાયા હતા: દવાખાનેથી ઊપડતાં મુડદાંને અને પોસ્ટમોર્ટમ કરેલી લાશોને સ્મશાને લઈ જવાનો એ માર્ગ હતો. જીવતાં દરદીઓનો જ અવરજવર ત્યાં વિશેષ હતો. એટલે એ જગ્યા દિવસે નિર્જન રહેતી ને રાત્રિએ ભૂતનું રહેઠાણ લેખાતી - પોલા ખીજડામાં 'મામો’ રહે છે એમ લોકો કહેતાં.

નિરંજન ત્યાં ઊતર્યો ત્યારે કલેજું ધડક ધડક થઈ રહ્યું; આંખો પર લાલપીળા રંગો રમી રહ્યા. કોઈ સ્ત્રીઓની મંડળી રડતી ભાસી. કઠણ રહ્યો. કોઈ નહોતું. કંસારીઓનું ક્રન્દન અથવા ગાયન સ્ત્રીઓના કલ્પાંતનો ભાસ કરાવતું હતું.

એ ખીજડા પાસે થઈને જ કબ્રસ્તાનમાં ગયો. કબ્રસ્તાન વટાવ્યું ને તે પછી થોડે દૂર પહોંચ્યો.

કેટલીક ઓરડીઓની પાછલી દીવાલો ત્યાં પડતી હતી. કોઈ કોઈ બારીમાં બત્તીઓ બળતી હતી.