પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
188
નિરંજન
 

પોતાનો છૂપો પ્રેમમુગટ એક દુઃખી વિધુરના મસ્તક પર પ્રકટપણે પહેરાવી પોતાની દીનતાનો સ્વીકાર કર્યો, અને આજના પુરુષોની ભયાનક બનેલી જુવાનીથી એણે પોતાનો ઉગાર સાધી લીધો છે.

કોઈપણ યુવાન એને ભાંગી ચૂરા કરી નાખત. આ પ્રલયઝપાટામાં કોઈ જુવાનનું ઊર્મિ-નાવ સલામત નથી. સુનીલા ચેતી ગઈ. ચમકતા ચહેરાઓનું અને લળી લળી નમતી છલભરી નારી-પૂજાનું એ પતંગિયું ન બની. એણે કોઈ નવી બનેલી નૌકાના મંગલ પ્રથમવિહારનો મોહ ન રાખતાં રીઢું થઈ ગયેલું, હર દિશાના જળમાર્ગનું પૂર્ણ વાકેફ વહાણ પસંદ કર્યું. એ જીતી ગઈ.

રહ્યો હવે હું. મારું લગ્ન ! હવે અશક્ય છે. જીવનને બે પ્રદેશોમાં વહેંચી દેવાની મારી શક્તિ નથી. સરયુને સહાનુભૂતિનો પ્રદેશ માત્ર સોંપી પ્રેમની ભૂખ સહ્યા કરવી અશક્ય છે.

સુનીલા – એક નારી – જે બે જુદા વિભાગોમાં જીવનને વહેંચી શકી, તે મારે માટે, પુરુષને માટે શક્ય નથી.

સ્ત્રી પુરુષને આપે છે અધૂરું, માગે છે પૂરેપૂરું. બતાવે છે જીવનનો ખૂણો જ એક અને રોકવા માગે છે પુરુષનું સમસ્ત અંતર.

હું સરયુમાં આખો ને આખો સમાઈ, ઓગળી, ઓતપ્રોત નહીં થઈ શકું, ત્યાં સુધી એ જંપશે નહીં, વિશ્વાસ કરશે નહીં, ઈર્ષાએ સળગી ખાક થશે.

એને ઘર સોંપી, માબાપની સેવા સોંપી, બેચાર ચુંબનો ફેંકી, સંતોષી લેવાના મારા વિચારો બેવકૂફ વિચારો હતા.

એને ભણવાનું કહી લગ્ન ઠેલ્યે જવાની મારી બુદ્ધિમાં તરકટ હતું.

એનો હું નહોતો – ને નથી. એ શબ્દોની પ્રચંડ ઘોષણા ઊઠી, દંભ તૂટી ગયો.

બીજું બધું પછી, પ્રથમ તો ત્યાં જઈ પહોંચું અને હિસાબ પતાવું.

પોતાને ગામ જતાં રસ્તે એણે એવો અનુભવ કર્યો કે જાણે કોઈકને ફાંસી અપાઈ જવાની છે. તે અપાતી અટકાવવા પોતે ધસ્યો જાય છે.