પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તોડી નાખું ?
189
 

'વહાલા ! મારા વહાલા ! વહાલા નિરંજન !' એ છે ફાંસીની રસીનો ગાળિયો. સરયુની ગરદન પર એ ગાળિયો ભીંસાય જાય છે. ને વધુ વેળા વીત્યા પછી જો મારા સંકલ્પની જાણ થશે તો, ત્યાર સુધીમાં, એ ગાળિયાની ભીંસે એના કોમળ ગળાને ચેપી નાખ્યું હશે.

આગગાડીનો વેગ અધૂરો પડયો. મોટાં મોટાં સ્ટેશનો પણ માર્ગમાં બિનજરૂરી હતાં એવું એને પ્રથમ જ્ઞાન થયું. એને ચીડ ચડી. ગાર્ડ અને સ્ટેશન-સ્ટાફ નાહક ચાપાણી માટે જ ગાડીને રોકી રાખતા લાગ્યા.

જેમતેમ એ પોતાને ગામ પહોંચ્યો તો ખરો. ઘેર ગયો ત્યારે માએ ઘીનો દીવો કરી અંબાજીને શ્રીફળ વધેર્યું. કેમ કે, “ભાઈ, એક મહિનાથી તારો કાગળ નહોતો એટલે અમારા તો શ્વાસ ઊડી ગયેલા.”

પિતા પથારીવશ હતા; આજે એની સ્થિતિ ગામમાં જઈ ભાઈ આવ્યાની વધામણી આપવા જેવી નહોતી. એણે ધીરે સાદે પુત્રના શિરે હાથ મૂકી આશીર્વાદ આપ્યા.

ઘરમાં દરિદ્રતાની નિસ્તેજી હતી. થોડી વારે નિરંજને જોયું કે માં સાડલાના છેડા હેઠળ કશુંક ઢાંકીને બહાર ગયાં હતાં, ને પાછાં ઢાંકીને જ કશું લઈ આવ્યાં.

સમજી જવાય તેવી વાત છે કે ઘરમાં ઘી અથવા લોટનો અભાવ હોય તો તે પાડોશીની મદદથી પુરી લેવાનો હોય છે. ઘેર આવેલો પરોણો પણ આ વાત સમજી શકે છે. છતાં સંસારી જીવનની નગ્નતા ઢાંકવાની.આ જૂની રીતિ કોઈને શરમાવનારી નથી. વસ્ત્રોની નીચે નર્યો દેહ જ હોવાની સાર્વજનિક સમજણ જેવી આ વાત છે.

નિરંજનને યાદ આવ્યું: ચાર મહિનાથી પોતે ખરચી મોકલી નહોતી.

કારણ ?

લાલવાણીને માટે સુંદર સુંદર વસ્તુઓ ખરીદવા માટે ખુદ પોતાનાં વસ્ત્રો પણ પોતે સંધાવી સંધાવી પહેરતો.

ને આજે ખિસ્સામાં કશું જ નથી.