પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
નિરંજન
 


એકાદ-બે જણાએ તાળીઓ પાડી, પણ સભાગૃહે એ તાળીઓ ન ઝીલી. બધા જુવાનો અચંબામાં લીન હતા. આ શું નિરંજનના વિચારો? આ પરિવર્તન એનામાં ક્યારે આવી ગયું?

વ્યાખ્યાનના કાગળ નિરંજનનો કોઈ મિત્ર કે શત્રુ જોવા માગે તે પૂર્વે તો સુનીલાએ નિરંજનને ટેકો આપી એક ભાડૂતી ઘોડાગાડીમાં ચડાવ્યો.

પોતે પોતાની બાઇસિકલ પર ચડી રસ્તો લીધો. બાઇસિકલ પોતાની બાજુમાં ઘસાઈને પસાર થઈ ત્યારે નિરંજનનું માથું હંમેશની આદત મુજબ નમ્યું. સુનીલાએ એ નમનને તુચ્છકારના ભાવે નિહાળ્યું.

નિરંજનને થયું કે આ કરતાં તો નિત્ય નમવાની આદતવાળી આ ગરદનને ઊભા કાંટાનો પટો પહેરાવવો વધુ સારો છે.


2
શ્રીપતરામ માસ્તર

ઓરડી પર જઈને એ પડ્યો. પડ્યા પડ્યા એને વિચારો આવ્યા: આખુંય ભાષણ શું ખુદ મને જ તમાચા લગાવવાના હેતુથી અપાયું? વિદ્યાર્થીઓ તો મને સુનીલાનું સ્નેહપાત્ર બન્યો માની મારું અહોભાગ્ય માનતા હશે, મારી ઈર્ષ્યા કરતા હશે; પણ મારી આંતરિક દશા તો શરમની છૂપી છરીથી વઢાઈ રહેલ છે. સુનીલાએ મને પછાડ્યો, બહુ નીચો પછાડ્યો !

બારણાં પાસે ટપાલનો કાગળ આવીને પડ્યો હતો. એ કાગળ એના પિતાશ્રી શ્રીપતરામ માસ્તરનો હતો. પિતાજીએ મહત્ત્વના સમાચાર લખ્યા હતા: “દીવાનસાહેબ ત્યાં પધારેલ છે, તો તું સલામે જઈ આવજે, ચૂકતો નહીં. તારા માટે અહીંની નોકરીની તજવીજ કરી રહેલ છું. તેનો આધાર તું દીવાનસાહેબના મન પર કેવીક છાપ પાડી આવે છે તે ઉપર રહેશે.”