પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
190
નિરંજન
 

પિતામાતાની આ દશા છે.

સરયુ – સરયુ – સરયુ જોડે પરણી લઉં ? દીવાન દૂઝશે ?

મા ચૂલો પેટાવતાં હતાં. ગોટેગોટા ધુમાડો ઘરના બંને ઓરડાને ગૂંગળાવતો હતો. ધુમાડાની ગંધ ગળામાં ઊતરીને એક ન વર્ણવી શકાય તેવી કડવાશ પેદા કરતી હતી. પથારીમાં પડ્યા પડ્યા શ્રીપતરામ ડોસા ખોં ખોં કરતા હતા. એને હાંફણ ઊપડી હતી.

“આટલો બધો ધુમાડો શાનો છે, બા ?” કહેતો નિરંજન રસોડામાં ગયો.

"હમણાં મટી જશે, ભાઈ !” માએ ખાંસી ખાતાં ખાતાં કહ્યું, “આ ખડ જરી લીલું હતું એટલે ધંધવાણું છે.”

“તો સ્ટવ જ પેટાવોને, બા ?”

બાએ પ્રત્યુત્તર ન આપ્યો. એ ચૂલો ફૂંકતાં જ રહ્યાં. ચૂલામાં ઓસમાન ટપ્પાવાળાના ઘોડાના ઘાસની ઓગઠ હતી. ચૂલો પેટાવવા માટે ઘાસલેટનું પોતું પણ ન વાપરવા જેટલી હદે આ ઘરની કરકસર જઈ ચૂકી છે – ને તે કરકસરનું ખરું કારણ હું પોતે જ છું, એ વાત નિરંજનને સ્પષ્ટ થઈ ગઈ.

ગુવારભીંડાની જૂની સુકવણીના શાક જોડે રોટલી પીરસીને માએ જ્યારે પુત્રને જમવા બેસાર્યો, ત્યારે શ્રીપતરામ ડોસાએ પત્નીને સાદ પાડયો: "તમે શું કરો છો ?"

"આ રહી"

“નવરાં છો ?"

"હા, કેમ ?"

"અહીં જરા આવી જશો ?"

જમતા પુત્રે આ કંગાલિયત વચ્ચે માતાપિતા વચ્ચેનો માનભર્યો, અદબભર્યો સંબંધ પારખ્યો. કોઈ ડૂબતા વહાણમાં બેઠેલાં સહપ્રવાસીઓ અન્યોન્યને ભોગે ઊગરવાની લોલુપતાથી ઉશકેરાવાને બદલે જાણે કે સવિશેષ સ્નેહાર્દ અને સ્વાર્પણોત્સુક બની રહ્યાં હતાં.