પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તોડી નાખું ?
191
 

માતાપિતા વચ્ચેનો વાર્તાલાપ ઓરડાની અંદર ધીરે સ્વરે ચાલતો હતો. તેના બોલ પકડવા માટે નિરંજનને શાકરોટલીના સૂકા બચકારા પણ બંધ કરવા પડયા.

પિતાએ કહ્યું: “આ લ્યો.”

“શું છે ?” પત્નીએ પતિના હાથમાંથી કશુંક લીધું.

“દસની નોટ છે, પાછી આપી આવો.”

“કોને ?”

“ઓસમાનને.”

“ઓસમાનભાઈને શા માટે ? લીધી હતી ?”

“ના, એ પાજી અહીં છાનોમાનો મેલી ગયો લાગે છે.”

“શી રીતે જાણ્યું ?”

"જાણ્યું. રૂડી રીતે. આપણી માયલી દશાની એને એકને જ જાણ છે. જ્યારે ને ત્યારે બાનાં કાઢી કાઢી કંઈક ને કંઈક આપી જાય છે. એક દહાડો એક રૂપિયો લઈને આવેલો. છાનોમાનો સોગંદ દઈને કહે કે લ્યો ને લ્યો. મેં ન લીધો. એણે અલારખાના સમ દીધા. મેં એની ધૂળ કાઢી નાખી, કે કમજાત ! કબરમાં સૂતેલાના સોગંદ ? રૂપિયાનો મેં ઘા કરી નાખ્યો. ત્યારથી એ જ્યારે આવે છે ત્યારે, મારા ખાટલા ઉપર કંઈક ને કંઈક મેલતો જાય છે. અત્યાર સુધી મને ગમ નહોતી મને લાગતું કે આપણું જ કશું નાણું હશે. કાં તમે, કાં મેં ભૂલથી ખાટલામાં પાડી નાખ્યું હશે. પણ આજ ચોરી ઝલાઈ ગઈ.”

“શી રીતે ?"

“તમે ખાટલો ને ગોદડાં સાંજે જ ખંખેર્યાં હતાં. તેમ મારી કે તમારી કને સવારથી જ કશું નથી. ને એ પાજી હમણાં જ બેસીને ગયો છે.”

ડોસી ઊભાં થઈ રહ્યાં. પતિએ કહ્યું: “આપી આવો."

“આપી આવીશ.”

"ના, અત્યારે જ જાઓ.”