પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિસર્જન કે નવસર્જન ?
193
 


"આ શું ? ગાંડાં થયો કે ?” કહીને ડોસાએ મહાપ્રયત્ને હાથ લંબાવ્યો. ડોસીની આંખોના ખાડામાં આંગળી બોળી, ને વધુ ધીરા સ્વરે કહ્યું – ચાળીસ વર્ષો પૂર્વના યૌવનતીર પરથી મીઠો એક તુંકાર તેડાવ્યોઃ

"તું – ગાંડી, તું ઊઠીને – મારા સોગંદ ! – હું સુખી – તારી છાયા – મરવા ઠેકાણું – દીકરો ! – એ તે શું સ્વાર્થબુદ્ધિનું ઠેકાણું ? – ના – એને પાંખો ફૂટી ગઈ – ઊડતાં આવડ્યું – ફાવે ત્યાં ઊડે – ન રડ, ઘેલી ! ઓસમાન તો ઓલિયો છે – પણ આપણે આપણાપણું હવે આખરી વખતે જાય ! ના, ના, ના !”

ડોસાનો જર્જરિત પંજો વૃદ્ધાના આખા મોં ઉપર ફરી વળ્યો. એ પુનિત દેખાવ તો ફક્ત એક દીવાએ જ દેખ્યો. છતાં શબ્દો તો દીકરાએ પણ ઝીલી લીધા.


43
વિસર્જન કે નવસર્જન ?

શાક-રોટલીનો કોળિયો નિરંજનના હાથમાં થંભી રહ્યો. પિતામાતા વચ્ચેના વાર્તાલાપે મનમાં કંઈ કંઈ મૂર્તિઓ સરજી. એના હૃદયમાં મગરૂબીનાં મોજાં ચડયા. પિતાજીની જીવનભરની કેટલીક ક્ષુદ્રતાઓ ઉપર પોતે અણગમો પામ્યો હતો. એ ક્ષુદ્રતાની રજેરજનો વિલય કરી નાખનારી શી ભવ્ય માનવતા આ મૃત્યુ-સેજ પર પડેલા હાડપિંજરની ભીતરે વિરાજી રહી છે !

ઓસમાનની ખાનદાની એની કલ્પનામાં તરવરી. માતાપિતાના અદીઠ સ્નેહલ મનોરાજ્યનું એણે શબ્દો દ્વારા શ્રવણ-દર્શન કરી લીધું. ઉપમા શોધવા લાગ્યો. એ શોધ બહુ બહુ તો એટલે જ જઈ શકીઃ જળપ્રલયનાં ચડતાં પાણીની વચ્ચે ડૂબું ડૂબું થતા એક ખડક ઉપર બે પુષ્પો