પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
194
નિરંજન
 

ઝૂલતાં હતાં અને પ્રલયના સુસવાટા બંનેને એકબીજા તરફ વધુ સઘનતાથી લળાવી રહ્યા હતા.

એનું નામ શું, લગ્ન? કેવું લગ્ન? કયા શાસ્ત્રે શીખવેલું? કયા મનોવિજ્ઞાને નિરૂપેલું? કઈ વિદ્યાપીઠે ભણાવેલું? કોઈ ગ્રંથ, કોઈ ફિલસૂફીનું થોથું આવા લગ્નને તલસ્પર્શ કરી શકે છે?

આ બેઉ ગામડિયાંને જે સહજ જડ્યું છે, તેની વ્યર્થ શોધમાં હું અટવીઓ ઢંઢોળું છું. એક તાર સાંધું છું ત્યાં મારા તેર તૂટી જાય છે. એક ઈંટ માંડું છું ત્યાં ઇમારતનું બધું જ ચણતર ભરભર ભૂકો બને છે.

સુખી લગ્ન, પૂર્ણ સંવાદિત પામતું લગ્ન, એ શું અકસ્માત જ છે? ને શું અકસ્માત જ રહેશે? કે જૂના જીવનનું કોઈ ચોક્કસ રસાયન હતું એ? એ રસાયન શું સદાને માટે ચાલ્યું ગયું છે? કે એને પાછું બોલાવી શકાય તેમ છે?

પહેલો પ્રેમ કે પહેલું લગ્ન? પહેલી સહાનુભૂતિ કે પહેલો પ્રેમ?

સહાનુભૂતિની ક્યારીમાં જ શું પ્રેમનું બીજ રોપાયેલું પડ્યું હોય છે?

વિચારોમાં સરયુની આકૃતિ રચાવા લાગી.

ખડકીમાં ધબકારો થયો. અંંધારે કોઈક પડયું હતું. નિરંજન દોડ્યો. ઓસમાનને ઘેરથી પાછાં ફરતાં બાએ પોતે જ પછડાટી ખાધી હતી. ખડકીના રસ્તામાં પાડોશીએ ખાટલો રાખ્યો હતો, એ ખાટલાનો પાયો બાની ઠેશે આવ્યો હતો. બહાર અંધારું હતું. બાની આંખમાં પણ દીવા ઓલવાતા હતા.

બા ચાલી ન શક્યાં. નિરંજન લગભગ ઉપાડીને એને ઓસરી પર લાવ્યો. ડોસાએ પોતાની પથારીમાંથી ઊઠવાનો પ્રયત્ન કર્યો. ન ફાવ્યા, પડ્યા પડ્યા જ બોલ્યા: “અરે રામ! તમેય ખાટલો ઢાળ્યો કે શું? હહ-હ-હ! ઠીક, મારી અમીરાઈની ઈર્ષ્યા આવતી હતી, ખરું ને? આવો, હવે આપણે બેય જણાં સરખાં થયાં. મારો વહાલોજી જરૂર જરૂર