પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
196
નિરંજન
 

એક તમાચો ખેંચી કાઢું?

નિરંજનના હાથ હવામાં વીંઝાયા. સરયુ ત્યાં નહોતી. ખેર ! સરયુને તમાચો મારવા જેટલી લાગણી આવી ખરીને? પણ પ્રેમ ક્યાં?

ક્યાં? તમાચો મારવાની જે સહાનુકંપા છેને, તેની ક્યારીમાં.

ધીમે ધીમે સરયુ પ્રત્યેની સહાનુભૂતિ ભયંકર બનતી ચાલી. સવારે વહેલો ઊઠીને એ ઓસમાનકાકાને ઘેર ગયો. હજુ બગબગું હતું. ઓસમાનના ફળિયાની ભાંગલી ખડકીની ચિરાડે એને ઓસમાનના સંસારજીવનનો ગુપ્ત રસ બતાવ્યો. બુઢ્ઢા ઓસમાનનું માથું ખોળામાં લઈને એની આધેડ મુસલમાનણ બુઢ્ઢાની દાઢી ઓળતી હતી.

સાંકળ ખખડાવીને નિરંજન આડું જોતો ઊભો. “કોણ બલા આવી અતારમાં?” કરતી પત્ની ઊઠી.

“લે મૂંગી મર.” ઓસમાને ધીરેથી કહ્યું.

“ખબરદાર,” બાઈ કમાડ ખોલવા જતી જતી બોલી, “અત્યારે સો રૂપિયાનું ભાડું જડતું હશે તોય નહીં ગાડી જોડવા દઉં, મહિને એક દી તો આરામ લેવો જ જોશે. મારા ઘોડાને નહીં મારી નાખવા દઉં.”

“નહીં જાઉં, પણ મારો જીવ કાં ખા? ઝટ ખડકી ઉઘાડ ને.” ઓસમાને કહ્યું.

“મોટા પીરના સમ?”

“મોટા પીરના સમ નહીં ખાઉં.”

“ત્યારે મારા સમ?”

“તારા સમ. ક્યાંય નહીં જાઉં.”

"હું મરું તો તમને શું?”

“બીજું શું? જીવતે મોત. તું મરત તો પગરખું ગયું ગણત તે દા'ડા તો લાલચોળ જુવાનીના હતા. તે તો ગયા, બીબી!”

નિરંજનને આ વાર્તાલાપે લગ્નજીવનની આ આખી વાત બતાવી. લાલચોળ દિવસો પછી પાનખર આવે છે. પાનખરના કેવા વંટોળ આ ગાડીવાનને ઘેરી વળ્યા છે! તેની વચ્ચે એનું સંસાર-ઝાડવું છૂપી ટીશીઓ