પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિસર્જન કે નવસર્જને?
197
 

સંઘરતું ઊભું છે.

લગ્ન એટલે વસંતની લીલા કે સૂસવતી પાનખર વચ્ચેનો ટકાવ?

ખડકી ખૂલી, ને નિરંજનને નિહાળી ઓસમાનડોસો તેમ જ બાઈ શરમાઈ ગયાં. નક્કી છોકરાએ વાત સાંભળી લીધી હશે. નિરંજનનું મોં ઓસમાનકાકાની સામે મરક મરક થઈ રહ્યું.

"આવ્યા, ભાઈ?” ઓસમાને ગંભીર ભાવે પૂછ્યું, “ઇશકની ગજલું પૂરી થઈ ગઈ?”

નિરંજને નીચે નિહાળ્યું.

થોડી વાર શાંત રહી ખાટલામાંથી ઊભા થતા ઓસમાને કહ્યું: હાલો, આજ પીરને ઘૂને ઘોડો ધમારવા જાઉં છું. હાલવું છે?”

“ચાલો.”

“રસ્તે એક તાલ બતાવવો છે.”

ઓસમાનકાકો શું તાલ બતાવવાના હશે? – સમજ ન પડી. થોડી તડકો ચડ્યે ટપ્પો જોડીને બેઉ ચાલ્યા.

"કોઈક ટૂંકો રસ્તો નથી, કાકા” નિરંજને ટપ્પાને દીવાનબંગલાની સડકે જતો જોઈ સૂચવ્યું.

"ટૂંકા રસ્તા તો હોય, પણ વસમા ને છેતરામણા છે. આ સડક ખરીને, એટલે મારો જાહલ ટપ્પો, આ ઘરડો ઘોડો, ને ત્રીજો હું બુઢ્ઢો, ત્રણેયે પાછા હેમખેમ ઘેરે આવીએ. એમાં આજ તો તમેય મારે તો જોખમનો માલ કહેવાવને, ભાઈ?"

નિરંજન સ્પષ્ટ વાંધો ઉઠાવી ન શક્યો, ઓસમાને એને બોલવાની તક પણ ન આપી. દીવાનબંગલાની નીચી પાછલી દીવાલ આવી પહોચી. નિરંજન સંકોડાતો રહ્યો.

દીવાનબંગલાના કુવાની એક ગરેડી જંગલના એકાકી કો તેતર સમી બોલી રહી હતી.

"આમ જોઈ લ્યો." ઓસમાને ટપ્પામાં બેઠાં બેઠાં નિરંજનને દીવાનબંગલાના પાછલા ચોગાનમાં જોવા કહ્યું.