પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
198
નિરંજન
 


કૂવાની ગરેડી પર આખું શરીર હીંચોળતી હીંચોળતી ઘડો ખેંચી રહેલી એ સરયુ જ હતી. એની સાડી એના ખભા પરથી સરીને કમર પર ઊતરી ગઈ હતી. ઊંધું માથું ઘાલીને હાંફતી હાંફતી એ ઘડા ખેંચતી હતી.

ને ગજાનન એનો છેડો ખેંચતો ખેંચતો, એને અટકાવવા મથતો હતોઃ બેન, હાલો પણ! બા બોલાવે ! બા ખિજાય છે. તમારા સારુ બા બાપુને મારે છે. હાલો. નથી ભરવું પાણી...”

ઓસમાન દુહો લલકારવા લાગ્યોઃ

મરિયેં માણસ માટ,
(પણ) માણસના મનમાંય નહીં!

નિરંજન પાછો વળી વળીને કૂવાકાંઠે જોતો હતો. ગજુ અને સરયુ વચ્ચે ગજગ્રાહનું યુદ્ધ ચાલતું હતું.

"અરે મારી બાઈ!!" ઓસમાન આત્મસંભાષણ કરતો હતોઃ “શીદ ખુવાર મળી રહી છો? કોના સાર? કોઈક અભણને બાપનો ઘરજમાઈ બનાવીને મોજ કર ને! આ ઇશકિયો તારું શું ઉકાળી દેવાનો છે, તે એના સારુ તપ તપછ?”

હજુ પણ નિરંજનની નજર દીવાનબંગલાને પછવાડે કૂવાકાંઠે હતી.

"એઈ નાદાન !" ઓસમાને નિરંજનનો કાન ઝાલી પોતાની સન્મુખ કર્યો, “તું કિયા મુલકમાં આથડી રિયો છો, મારા બચ્ચા ! એ છોકરીના તે શા હવાલે કર્યા છે, જાણછ?”

“મેં?” નિરંજને પૂછ્યું.

“તેં, હા તેં. આ બગીચાનો માળી રોજ આવીને મને વાતું કરે છે. રાજના અડીખમ અમલદારની છોકરી ઘંટી દળવાની, પાણી ખેંચવાની ને લૂગડાંની ગાંસડિયું ધોવાની જીદે ચડી છે. નવી મા એને મારકૂટ કરે છે. છોકરી, મા ન હોય ત્યારે, માળીને ઘરે આવી માળીનાં ઘરકામ કરાવે છે. સાંજ પડે ત્યાં બાપડા દીવાનસા'બના માથે કજિયાના મે’ વરસે છે. આ બધું શા માટે? તારા માટે, તારા ઘરનો ભાર ઉપાડવા